મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ થતા 3000થી વધુ ફ્લાઈટ્સ રદ | More than 3 000 flights canceled as airspace closes in Middle East

![]()
હજારો પ્રવાસીઓ રઝળ્યા, ભારત પર પણ અસર
દુબઈ: અમેરિકા અને ઈઝરાયેલનો ઈરાન પર હુમલો સતત બીજા દિવસે રવિવારે પણ યથાવત્ રહ્યો હતો, જેના પગલે મધ્ય-પૂર્વના દેશોમાં હવાઈ સેવાઓ પર ગંભીર અસર થઈ હતી. મોટાભાગના દેશોએ તેમની એર સ્પેસ બંધ કરી દેતા અને પ્રતિબંધો મૂકાતા બે દિવસમાં ૩,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે, જેના કારણે હજારો પ્રવાસીઓ રઝળી પડયા હતા. વધુમાં ઈરાને દુબઈના એરપોર્ટ પર પણ હુમલો કરતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર વ્યાપક અસર થઈ છે. ભારત પર પણ તેની અસર થઈ છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટની કુલ ૬૩૦થી વધુ રુટ્સ પર ફ્લાઈટ્સ અટકાવી દીધી છે. મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ થવાના કારણે ભારત અને અમેરિકાની તેમજ ભારતની યુરોપ જતી ફ્લાઈટ્સ પણ મુશ્કેલીમાં મુકાઈ હતી. મધ્ય-પૂર્વના આ સંકટમાં ઈરાન, ઈઝરાયેલ, ઈરાક, કતર, સંયુક્ત આરબ અમીરાત, બહરીન, કુવૈત અને જોર્ડને તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે.



