યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયા! ઈન્ડિગો-એર ઈન્ડિયાની 400થી વધુ ફ્લાઈટ્સ રદ | india cancels 444 international flights middle east war iran israel

![]()
Iran Israel US War Effect India Flight Cancel : મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકી ઉઠ્યું છે. ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાથી આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. શનિવારે થયેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. સર્વોચ્ચ નેતાના મોતથી ઈરાન રોષે ભરાયું છે અને વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. આ તમામ ઘટનાક્રમની સીધી અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે.
હજારો મુસાફરો અટવાયા, DGCAની નજર
ઈરાન પર થયેલા હુમલાને કારણે શનિવારે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને હવે રવિવારે ભારત 444 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરે તેવી શક્યતા છે. એવિએશન રેગ્યુલેટર DGCA એ સ્થિતિ પર દેખરેખ વધારી દીધી છે અને એરલાઇન કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. જેઓ એરસ્પેસ બંધ થવાને કારણે ત્યાં ફસાઈ ગયા છે. દુબઈ હોય કે અબુ ધાબી, સોશિયલ મીડિયા પર ભારતીયો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે.
એર ઈન્ડિયા (Air India) ની ટ્રાવેલ એડવાઈઝરી
એર ઈન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય સેવાઓમાં મોટો કાપ મૂક્યો છે. એરલાઇને જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 1 માર્ચના રોજ ઓપરેટ થનારી ઘણી મહત્વની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
મુંબઈ-લંડન હીથ્રો, દિલ્હી-બર્મિંગહામ, દિલ્હી-એમ્સ્ટર્ડમ.
દિલ્હી-ઝ્યુરિચ, દિલ્હી-મિલાન, દિલ્હી-વિયેના.
બેંગલુરુ-લંડન હીથ્રો, દિલ્હી-કોપનહેગન વગેરે.
ઈન્ડિગો (IndiGo) અને અન્ય એરલાઈન્સના અપડેટ્સ
IndiGo: ઈન્ડિગોએ મધ્ય પૂર્વના એરસ્પેસનો ઉપયોગ કરતી ફ્લાઈટ્સને 2 માર્ચ 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
કતાર એરવેઝ (Qatar Airways): કતારનું એરસ્પેસ બંધ થવાને કારણે તમામ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
એતિહાદ એરવેઝ (Etihad Airways): અબુ ધાબીથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ સોમવાર, 2 માર્ચના રોજ રાત્રે 2 વાગ્યા સુધી (UAE સમય મુજબ) રદ કરવામાં આવી છે.



