વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat government asks explaination from baroda medical college

![]()
વડોદરાઃ સયાજી હોસ્પિટલને સંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં વાયવા દરમિયાન સિનિયર અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આક્ષેપના મામલાના રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પણ પડઘા પડયા છે.મળતી વિગતો પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા આ ઘટનામાં મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો માગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફાર્મેકોલોજી વિભાગના અધ્યાપક ડો.અમોલ ભાવે સામે વિદ્યાર્થિનીઓએ ડીન સમક્ષ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ડો.ભાવે હાથ પકડીને ક્રીમ કેવી રીતે લગાડવાનું તેનું નિર્દેશન કરવાનો આગ્રહ રાખતા હતા.આ ફરિયાદ બાદ મેડિકલ કોલેજ સત્તાધીશોએ એન્ટી હેરેસમેન્ટ કમિટિને તપાસ સોંપી છે.ડો.ભાવેને વાઈસ ડીન પદેથી પણ ઉતારી દેવાયા છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, બરોડા મેડિકલ કોલેજમાં લગભગ ૨૯૦ જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે પણ આ ઘટનાના જ ફૂટેજ ઉપલબ્ધ નથી.સૂત્રોનું કહેવું છે કે, વિદ્યાર્થિનીઓનો વાયવા ક્લાસરુમની જગ્યાએ ઓફિસમાં લેવામાં આવ્યો હતો.કારણકે તે સમયે ક્લાસરુમમાં બીજી પરીક્ષા ચાલી રહી હતી.દરમિયાન એબીવીપી દ્વારા પણ આજે મેડિકલ કોલેજમાં હંગામો મચાવાયો હતો અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માટે અને સમિતિમાં એક વિદ્યાર્થીની પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.



