ઇરાને એક સાથે 7 અમેરિકી બેઝ પર કરેલા હુમલા : યુએઇ સ્થિત ધાફર બેઝ તબાહ | Iran attacks 7 US bases simultaneously: Dhafar base in UAE destroyed

![]()
– સમગ્ર મધ્યપૂર્વમાં ભારે તંગદિલી
– ઇરાને ઇઝરાયલ અને યુ.એ.ઇ સહિત 7 દેશોમાં રહેલા અમેરિકાનાં લશ્કરી મથકો ઉપર ભીષણ બેલાસ્ટિક મિસાઇલ હુમલા શરૂ કરી દીધા
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક બની રહી છે. ઇરાને ઇઝરાયલ અને યુ.એ.ઇ. સહિત ૭ દેશોમાં રહેલા અમેરિકી મિલીટરી બેઝ ઉપર પ્રચંડ બેલાસ્ટિક મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે. સમગ્ર મધ્યપૂર્વમાં પરિસ્થિતિ ભારે તંગદિલીભરી બની રહી છે.
આ હુમલાની સૌથી પહેલી ખબર સંયુક્ત આરબ અમીરાતથી આવી છે. ત્યાં આવેલા અમેરિકાના મુખ્ય એરબેઝ અલ-ધાકરા પર મિસાઇલ્સ વહેતા મૂક્યા છે તેથી તે એરબેઝને ભારે નુકસાન પહોંચ્યું છે. અલ-ધાકરા એરબેઝ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું બેઝ છે. અહીંથી જ મધ્ય-પૂર્વમાં વિવિધ સ્થળોએ રહેલા, વિવિધ એરબેઝનું સંચાલન થાય છે. આ એરબેઝ ઉપર મિસાઇલ્સ પડતા ધૂમાડાના ગોટા અને અગન જ્વાળાઓ ત્યાંથી આકાશમાં જતા જોવા મળ્યા હતા. આ હુમલાથી ખાડી દેશોમાં અમેરિકાની સંરક્ષણ વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.
ઇરાનનાં મિસાઇલ્સે માત્ર યુ.એ.ઇને જ નહીં પરંતુ ઇઝરાયલ, બહેરિન, કતાર, સઉદી અરબ, જોર્ડન અને કુવૈત સ્થિત અમેરિકી થાણાઓને પણ પોતાના નિશાન બનાવ્યાં છે. આ દરેક દેશોમાં રહેલા અમેરિકી સૈન્ય મથકો પર એક પછી એક ધમાકા થયા ખાસ કરીને કતાર અને કુવૈત જેવા દેશોમાં કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અમેરિકી સૈન્ય ઉપસ્થિત છે ત્યાં તો પરિસ્થિતિ ખૂબ જ તંગદિલીભરી બની રહી છે. ઇઝરાયલમાં પણ ઇરાની મિસાઇલ્સ પડતા સુરક્ષા એલાર્મ વાગવા લાગ્યા હતા અને લોકોને સલામત સ્થળે પહોંચી જવા જણાવવામાં આવ્યું હતું.
ત્રીજા વિશ્વયુદ્ધનો તોળાતો ખતરો : આ વ્યાપક હુમલાથી પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે જે સાત દેશોમાં હુમલા થયા છે ત્યાં અફડાતફડીનો માહોલ છે. અમેરિકા તેની રણનીતિ તૈયાર કરવા લાગ્યું છે. ઇરાને પહેલેથી જ ચેતવણી આપી હતી કે જો તેની ઉપર હુમલો થશે તો સમગ્ર ક્ષેત્રને યુદ્ધ આગમાં લપેટી લેશે.
વિશેષજ્ઞાોનું માનવું છે કે, સાત દેશોમાં એકી સાથે હુમલા કરવા તે એ વાતનો સંકેત આપે છે કે યુદ્ધ હવે માત્ર બે દેશો વચ્ચે જ નથી રહ્યું પરંતુ તે વ્યાપક ક્ષેત્રિય યુદ્ધમાં પલટાઈ રહ્યું છે. તે વૈશ્વિક યુદ્ધમાં પણ પલટાઈ શકે. સમગ્ર વિશ્વ અત્યારે શ્વાસ રોકી ખેલ ખરાખરીનો જોઈ રહ્યું છે કે અમેરિકા અને તેના સાથી દેશો આ વિનાશક હુમલાનો શો જવાબ આપે છે.



