ઈઝરાયલ-અમેરિકાના હુમલા બાદ ઈરાનની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘યુદ્ધ શરુ તમે કર્યું, ખતમ અમે કરીશું’ | iran first reaction on israel attacked launches strikes against iran

![]()
Israel attack on Iran: ઈરાન સાથે વધતા તણવા વચ્ચે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરુ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ઈરાનમાં એક સાથે 30 જગ્યાઓ પર રોકેટ છોડાયા છે. તેહરાનમાં ભારે વિસ્ફોટના અવાજ સંભળાયા છે. ઈરાન પર હુમલાનો ઈઝરાયલે વીડિયો પણ જાહેર કર્યો છે. ઈઝરાયલ સેનાએ ઈરાન પર એક બાદ એક રોકેટ વરસાવ્યા છે. આગામી 4 દિવસ સુધી હુમલા થશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ યુદ્ધ તમે શરુ કર્યું છે પણ હવે તેને ખતમ અમે કરીશું: ઈરાન
બગડતી પરિસ્થિતિ જોઈને ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ સિવાય અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છે કે, ‘હુમલો તમે શરુ કર્યો છે, પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું.’ બીજી તરફ ઈરાન હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ‘ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે.’
ખામેનેઈના ઘર-કાર્યાલય નજીક થયા બ્લાસ્ટ
સૂત્રોના અનુસાર, ઈરાનની રાજધાની તેહરાનમાં પણ વિસ્ફોટ થયા છે. આ હુમલો સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના કાર્યાલય નજીક થયો. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, 86 વર્ષીય ખામેનેઈ તે સમયે પોતાના કાર્યાલયમાં હાજર હતા કે નહીં. અમેરિકાની સાથે વધતાં તણાવને લઈને તેઓ કેટલાક દિવસોથી જાહેરમાં જોવા મળ્યા નથી. એક ઈરાની અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે, તેમને(ખામેનેઈ) એક સુરક્ષિત સ્થાન(બંકર) પર લઈ જવાયા છે. ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજેન્સ વિભાગને નિશાન બનાવાયું. સાથે જ તેહરાનના વચ્ચેના ભાગમાં પણ હુમલાના સમાચાર છે.



