ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in forest fire near Chorwad

![]()
અવારનવાર આગ લગાડવામાં આવતી હોવાની આશંકા : વેરાવળ અને ચોરવાડના ફાયરફાઈટરે જઈ વૃક્ષમાં લાગેલી આગ બૂઝાવી : લાકડાં કાપનારાઓનું કૃત્ય હોવાની ચર્ચા
ચોરવાડ, : ચોરવાડના ત્રિવેણી નજીક આવેલા જંગલ વિસ્તારમાં આજે બપોરે આગ ભભૂકી હતી. જેમાં 100 જેટલા શરૂના વૃક્ષમાં નુકસાન થયું હતું. આ અંગે જાણ થતા ચોરવાડ અને વેરાવળના ફાયર ફાઈટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ અકસ્માતે નહી પરંતુ લાકડા માટે લગાડવામાં આવી હોવાની આશંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી માંગ ઉઠી છે.
ચોરવાડના ત્રિવેણી ઘાટ નજીક નાગાગુરૂ મંદિર આવેલું છે. આ મંદિરની પાછળના વિસ્તારમાં મોટી સંખ્યામાં શરૂનું જંગલ છે. આજે બપોરે આ સ્થળની નજીક સ્મશાને ગયેલા ડાઘુઓના ધ્યાનમાં આ જંગલમાં આગ લાગી હોવાનું ધ્યાને આવેલ હતું. ધીમે-ધીમે આગ પ્રસરી રહી હતી. આગના લીધે ૧૦૦ જેટલા શરૂના વૃક્ષની ડાળીઓ તેમજ થડમાં નુકસાન થયું હતું. આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આથી ચોરવાડ અને વેરાવળ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ જંગલ અવાવરૂ વિસ્તારમાં આવેલું છે. થોડા સમય પહેલા પણ આ જંગલમાં આગ લાગી હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ લાકડા કાપનારાઓએ આ આગ લગાડયાની આશંકા છે. શરૂ વૃક્ષ સુકાતું નથી. આગ લાગ્યા બાદ વૃક્ષ સુકાઈ જાય છે. જેના લાકડા લઈ જવામાં આવે છે. આથી આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી લોકોમાંથી માંગ ઉઠી છે.


