LIVE : ઈરાને મધ્યપૂર્વના 5 દેશોમાં એકસાથે કર્યો મિસાઈલ હુમલો, અમેરિકાના ઠેકાણાઓને લીધા નિશાને | Major Israeli attack in several cities including Tehran Iran

Israel Attack on Iran : લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે.
Israel vs Iran attack LIVE UPDATES
ઈરાને આડેધાડ હુમલા શરૂ કર્યા
ઈરાને હવે અમેરિકાને નિશાને લેવાનુ શરુ કર્યું છે. ઈરાને ઈઝરાયલની સાથે સાથે યુએઈ, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ ઉપર પણ આડેધડ મિસાઈલ હુમલા કરવાનું શરૂ કર્યું છે. માહિતી અનુસાર ઈરાને હવે મધ્યપૂર્વના 5 દેશો કતાર, બહેરીન, યુએઇ, કુવૈત અને ઈઝરાયલમાં એકસાથે મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. ઈરાને આ હુમલાઓ દ્વારા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે.
બહેરીનમાં અમેરિકાના ઠેકાણાઓ પર ઈરાનનો બેલેસ્ટિક મિસાઈલ હુમલો, જુઓ VIDEO
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો અસલ રંગ બતાવ્યો : રશિયા
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતાં રશિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતાને શાંતિદૂત કહે છે. પણ તેમણે હવે પોતાનો અસલ રંગ બતાવી દીધો છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે અત્યાર સુધી શું-શું થયું
યુદ્ધની સ્થિતિ વચ્ચે યમનનું મોટું એલાન, જહાજોની અવર જવર વચ્ચે રાતો સમુદ્ર સંપૂર્ણપણે બંધ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિને જોતાં યમન પણ હવે ઈરાનની વહારે આવ્યું છે અને તેણે એક મોટો નિર્ણય લેતા રાતા સમુદ્રને જહાજોની અવર-જવર માટે બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હવે યમન પણ ઈરાન સાથે મળીને ઈઝરાયલ અને અમેરિકા પર હુમલા કરી રહ્યું છે.
યમન અને લેબેનોને પણ ઈઝરાયલમાં શરૂ કર્યા હુમલા
ઈરાનના કથિત સાથીદારો લેબેનોન અને યમને પણ ઈઝરાયલમાં મિસાઈલ હુમલા શરૂ કરી દીધાના અહેવાલ સામે આવ્યા છે. યમનમાં હૌથીઓ દ્વારા એક પછી એક અનેક મિસાઈલો ઈઝરાયલ તરફ દાગવામાં આવી રહી છે. જ્યારે લેબેનોનમાં હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા ઈઝરાયલને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ધ સીઝ ઓફ ખૈબર ઓપરેશન નામે ઈરાને શરૂ કરી કાર્યવાહી
ઈરાને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશનને ધ સીઝ ઓફ ખૈબર નામ આપ્યું છે.
ઈઝરાયલમાં ઘૂસી ઈરાની મિસાઈલ, જુઓ VIDEO
અમેરિકાએ જેરુસલેમમાં એડવાઈઝરી જાહેર કરી
આ દરમિયાન જેરુસલેમમાં આવેલી અમેરિકાની એમ્બેસીએ એક એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે અમે ઈઝરાયલમાં રહેતા અમેરિકન નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સુરક્ષિત સ્થાનો પર ખસી જાય.
ઈઝરાયલના ઉત્તર વિસ્તારમાં ઈરાનનો મોટો હુમલો
ઈરાને પણ આ વખતે તૈયારી કરી રાખી હોય તેવું લાગી રહ્યું છે. ઈઝરાયલના ઉત્તર ભાગમાં તાત્કાલિક ધોરણે ઈરાને વળતો પ્રહાર કરતાં તબાહી મચાવી હતી. ઠેક ઠેકાણે મિસાઈલ મારો ચલાવ્યો હતો.
નેતન્યાહૂનું પ્રથમ નિવેદન, ઈરાને પરમાણુ પ્રોજેક્ટ બંધ કરવો જ પડશે
ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાની શરૂઆત કરાયા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ દેશના નામે એક સંબોધન જાહેર કરતાં કહ્યું કે ઈરાને તેનો પરમાણુ પ્રોજેક્ટ બંધ કરવો જ પડશે. આઈઆરજીસી સરેન્ડર કરે અથવા મોતનો સામનો કરવા તૈયાર રહે. નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને અમારા ઈઝરાયલીઓને માર્યા છે. અમે અસ્તિત્વના ખતરાને ટાળવા માટે ઈરાન પર હુમલો કર્યો છે.
ઈરાનનું એર સ્પેસ બંધ થતાં જુઓ કેવી સ્થિતિ?

ઈરાને આપ્યો જવાબ
ઈરાને પણ હવે ઈઝરાયલ પર વળતો હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે. ઈરાન તરફથી મિસાઈલો ઝીંકવામાં આવી રહી છે. ઈરાને એકસાથે 70થી વધુ મિસાઈલો ઝીંકીને ઈઝરાયલમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો છે. ઈરાનના હુમલાને પગલે ઈઝરાયલમાં સતત સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયલી સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટી કરી દીધી છે. આ સાથે ઈઝરાયલે તેની ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને એક્ટિવ કરી દીધી છે.
આયતુલ્લાહ ખામેનેઈએ અમેરિકા-ઈઝરાયલ પર વળતો પ્રહાર કરવાનો આદેશ આપ્યો
અત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આયતુલ્લાહ ખામેનેઈ જે ઈરાનના સુપ્રીમ લીડર છે તેમણે અમેરિકા અને ઈઝરાયલ પર વળતો પ્રહાર કરવા અને મિસાઈલોનો મારો ચલાવીનો આદેશ આપી દીધો છે.
ઈઝરાયલ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પરત
દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાછી આવી ગઇ છે. કારણ કે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા કર દેતા ઈઝરાયલ અને ઈરાનના એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે.
ઈરાનમાં ઈન્ટરનેટ બંધ
ઈઝરાયલ અને અમેરિકાના હુમલાને પગલે ઈરાનમાં તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે અહેવાલ મળી રહ્યા છે કે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના વધુ એક શહેર બંદર અબ્બાસ પર મોટો હુમલો કર્યો છે.
IRGC વળતો હુમલો કરવાની તૈયારીમાં
સૂત્રોના જણાવ્યાનુસાર IRGC એ પણ અમેરિકા અને ઈઝરાયલ પર વળતો હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. હવે ગમે તે ઘડીએ મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ સર્જાઈ શકે છે. મધ્યપૂર્વમાં અમેરિકાના વિવિધ સૈન્ય ઠેકાણાઓ તથા ઈઝરાયલ ઈરાન દ્વારા પ્રચંડ હુમલા કરવામાં આવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું પ્રથમ નિવેદન
અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઈલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.
ઈરાનમાં ગૃહયુદ્ધ ભડકાવવાની ટ્રમ્પની કોશિશ!
ટ્રમ્પે ઈરાનના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે તમે રસ્તા પર ઉતરી આવો અને ઈરાનની સત્તા પર કબજો કરી લો. આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાના સૈનિકો પણ જીવ ગુમાવી શકે છે. અમે મધ્યપૂર્વમાં અમારા તહેનાત લડાકૂ વિમાનો દ્વારા ઈરાનને નિશાન બનાવી રહ્યા છીએ.
મધ્યપૂર્વના અનેક દેશોમાં હાઇઍલર્ટ
ઈરાન પર હુમલાની સાથે જ યુદ્ધની સંભાવનાઓને જોતા મધ્ય પૂર્વના અનેક દેશોમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પડતાં ઈરાકે પણ તેનું એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે ઈઝરાયલ દ્વારા બેફામ રીતે ઈરાન પર મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે.
ઈઝરાયલે આ ઓપરેશનને શીલ્ડ ઑફ જુદાહ નામ આપ્યું
ઈઝરાયલે ફરી એકવાર ઈરાન પર હુમલા કરવાની શરુઆત કરી છે. આ ઓપરેશનને ઈઝરાયલે શીલ્ડ ઑફ જુદાહ નામ આપ્યું છે. આ ઓપરેશન હેઠળ ઈઝરાયલે ઈરાન પર અનેક મિસાઇલો ઝીંકી હતી. તેના પગલે ઈરાને પણ ઍલર્ટ થતાં પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.
ઈરાનના રાષ્ટ્રપતિના ઘરે હુમલો
ઈઝરાયલે ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનના ઘરે હુમલો કર્યો છે. અનેક મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણાને નિશાન બનાવાયા છે. ઈરાનની ગુપ્તચર એજન્સીના કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે.
અમેરિકા પણ ઍલર્ટ થયું
ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખી અમેરિકા પણ ઍલર્ટ થઈ ગયું છે. સંભવિત ઈરાની હુમલાથી બચવા માટે અમેરિકાએ કતારમાં તેના એરબેઝને ઍલર્ટ પણ રાખી દીધું છે.
તહેરાન સહિતના વિવિધ ઍરપોર્ટને નિશાન બનાવાયા
ઈઝરાયલના આ હુમલામાં તહેરાન, મહેરાબાદ સહિત વિવિધ ઍરપોર્ટને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ધુમાડાના ગોટેગોટા હવામાં અનેક કિ.મી. દૂરથી જોઈ શકાતા હતા. ઈરાની મીડિયાએ પણ ઈઝરાયલના હુમલાની પુષ્ટિ કરી દીધી છે. તહેરાનમાં અનેક વિસ્તારોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયલે આ હુમલો કર્યા બાદ ઈરાનના વળતા પ્રહારના ડરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
ઈઝરાયલનું પ્રથમ રિએક્શન
ઈઝરાયલે આ હુમલા અંગે કહ્યું કે અમે ઈરાનના હુમલાથી બચવા માટે આ કાર્યવાહી કરી છે. જો અમે હુમલો ના કર્યો હોત તો ઈરાને અમારા પર હુમલા શરુ કરી દીધા હોત.
ઈઝરાયલનો ઈરાન પર પ્રહાર
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ઈઝરાયલ પર રહેલા જોખમોને દૂર કરવા માટે સેનાએ ઈરાન વિરુદ્ધ પૂર્વ-નિયોજિત કાર્યવાહી હાથ ધરી છે. આ જાહેરાતની સાથે જ કાત્ઝે સમગ્ર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી ‘સ્ટેટ ઑફ ઈમરજન્સી’ (કટોકટીની સ્થિતિ) લાગુ કરી દીધી છે.
સમગ્ર દેશમાં સાયરનનો ગુંજારવ
ઈરાન પર થયેલા આ હુમલા બાદ વળતા જવાબની આશંકાએ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા છે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સ(IDF)ના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને બોમ્બ શેલ્ટર્સ(રક્ષણાત્મક આશ્રયસ્થાનો)ની નજીક રહેવાની સૂચના આપી છે.
નાગરિકો માટે એડવાઇઝરી
IDF એ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતાં નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આસપાસના સુરક્ષિત સ્થળોની જાણકારી રાખવી જોઈએ. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ સાવચેતીભર્યા ઍલર્ટનો હેતુ લોકોને સંભવિત મિસાઇલ હુમલાઓ માટે તૈયાર કરવાનો છે. જોકે, હાલના તબક્કે નાગરિકોને સીધા શેલ્ટરમાં જવાની જરૂર નથી, પરંતુ તૈયાર રહેવા જણાવાયું છે.



