दुनिया

અફઘાનિસ્તાન સામે ખુલ્લં-ખુલ્લા યુદ્ધ :પાક.ની એરસ્ટ્રાઈકમાં 274 તાલિબાનનાં મોત | Open war against Afghanistan: 274 Taliban killed in Pak airstrike



– તાલિબાનોએ 55 પાકિસ્તાની સૈનિકોને માર્યા, 26 ચોકી કબજે કરી

– અફઘાનિસ્તાન એરફોર્સની પહેલી વખત ત્રણ શહેરોમાં એરબેઝ પર એરસ્ટ્રાઈક, પાકિસ્તાનનું એફ-16 ફાઈટર જેટ પણ ઉડાવ્યું

– અમારી ધીરજ ખતમ થઈ ગઈ છે, હવે તો ‘દમાદમ મસ્ત કલંદર’ : પાક. સંરક્ષણ મંત્રી

– અફઘાનિસ્તાનની 115 ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ અને તોપોનો નાશ કર્યાનો પાકિસ્તાનનો દાવો

ઈસ્લામાબાદ/કાબુલ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો તણાવ મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનામાં ‘ખુલ્લં-ખુલ્લા યુદ્ધ’માં પરિણમ્યો છે. તાલિબાનોએ ગુરુવારે ડુરંડ લાઈન પર ફુલ સ્કેલ હુમલો કરીને પાકિસ્તાનના ૫૫ સૈનિકોને માર્યા હતા અને ૨૬ ચોકીઓ પર કબજો કરી લીધો હતો. જવાબમાં પાકિસ્તાને ઓપરેશન ‘ગજબ લિલ-હક’ હેઠળ કાબુલ, કંદહાર અને પક્તિયામાં એરસ્ટ્રાઈક સાથે ૨૨ જગ્યાએ હુમલા કરી ૨૭૪ અફઘાન તાલિબાનોના મોત નીપજાવ્યા હતા. આ હુમલાના જવાબમાં અફઘાનિસ્તાને પહેલી વખત પાકિસ્તાનના ત્રણ સૈન્ય મથકો પર એરસ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનનું એફ-૧૬ ફાઈટર જેટ ઉડાવી દીધું હતું. આમ, બંને દેશો વચ્ચે બે દિવસના આ યુદ્ધમાં કુલ ૩૦૦થી વધુ સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. બંને દેશોએ શુક્રવારે રાતે યુદ્ધ રોકવા તૈયારી દર્શાવી હતી.

અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિયા પ્રાંતોમાં પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકનો બદલો લેતા ચાર દિવસ પછી તાલિબાનોએ ડુરંડ લાઈન પર પાકિસ્તાન સામે ફુલ સ્કેલ એટેક કરતા ૫૫ સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો અને પાકિસ્તાનની ૨૬ સરહદીય ચોકીઓ પર કબજો કરી લીધો હતો. તાલિબાનોની આ કાર્યવાહીના પગલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગયા વર્ષે થયેલા સંઘર્ષ પછી કતારની મધ્યસ્થીથી થયેલો ‘યુદ્ધવિરામ’ જોખમમાં મુકાયો હતો.

અફઘાનિસ્તાનના જમીની હુમલાના જવાબમાં પાકિસ્તાને ‘ગઝબ લિલ હક’ ઓપરેશન શરૂ કર્યું અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, કંદહાર અને પક્તિયા પર એરસ્ટ્રાઈક કરી તથા ૨૨ સ્થળો પર હુમલો કરીને ૨૭૪ અફઘાન તાલિબાનોનો સફાયો કર્યો હતો અને ૪૦૦થી વધુને ઘાયલ કર્યા હતા. સાથે અફઘાનિસ્તાનની ૧૧૫ ટેન્ક, બખ્તબંધ ગાડીઓ અને તોપોનો નાશ કર્યો હતો તેમ પાકિસ્તાને જણાવ્યું હતું.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, અફઘાન તાલિબાન અને ફિતના અલ-ખ્વારિજની કોઈપણ દુશ્મનીને સાંખી નહીં લઈએ. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક્સ પર જણાવ્યું કે, અમારી ધીરજ ખતમ થઈ ગઈ છે. હવે અમારી વચ્ચે ખુલ્લં-ખુલ્લા યુદ્ધ થઈ રહ્યું છે. હવે ‘દમાદમ મસ્ત કલંદર’. પાકિસ્તાનની આર્મી સમુદ્ર પારથી નથી આવી. અમે તમારા પડોશી છીએ. અમે તમારી અંદર અને બહાર બધું જ જાણીએ છીએ. દરમિયાન અફઘાનિસ્તાને પાકિસ્તાનની એરસ્ટ્રાઈકનો પણ જવાબ આપ્યો હતો. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, તેમની એરફોર્સે સવારે ૧૧.૦૦ કલાકે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના ફૈસલાબાદ, જમરુદ અને અબોટાબાદમાં આર્મી બેઝ પર ડ્રોન હુમલો કર્યો હતો. તેમણે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. અફઘાન મીડિયાએ પણ કહ્યું કે, તાલિબાનના ડ્રોન પહેલી વખત પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સુધી પહોંચી ગયા છે અને અસીમ મુનીરની સેના તેને રોકવામાં નિષ્ફળ ગઈ છે.

આ સાથે અફઘાન તાલિબાનોએ તેની હવાઈ સરહદનો ભંગ કરનારા એક પાકિસ્તાની એફ-૧૬ ફાઈટર જેટને ઉડાવી દીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક ફાઈટર જેટને સળગતું બતાવવામાં આવ્યું હતું. અન્ય એક વીડિયોમાં તેમણે એક પાકિસ્તાની સૈનિકને પકડી લીધો હોવાનું પણ બતાવ્યું હતું. જોકે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાને શુક્રવારે સાંજે યુદ્ધ અટકાવીને વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ્દીને કહ્યું કે, કાબુલે વારંવાર શાંતિપૂર્ણ સમાધાન પર ભાર મૂક્યો છે.

અફઘાનિસ્તાન સાથે યુદ્ધની પાક.ની જાહેરાતની અસર

તાલિબાનોના હુમલા બાદ પાક. શેર બજારમાં 3,000 પોઈન્ટનો કડાકો

કરાચી : અફઘાનિસ્તાને ડુરંડ લાઈન પર પૂર્ણ સ્તરનો હુમલો કર્યા પછી પાકિસ્તાને તાલિબાનો સામે યુદ્ધની જાહેરાત કરતા સ્ટોક માર્કેટ પર તેની વિપરિત અસર પડી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની શુક્રવારે આમને-સામને એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જ કરાચી-૧૦૦ અથવા કેએસઈ-૧૦૦ અંદાજે બે ટકા અથવા ૩,૦૦૦ પોઈન્ટ તૂટયો હતો. જોકે, પાછળથી તેમાં આંશિક સુધારો થયો હતો. 

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હવે પાકિસ્તાન ખુલીને અફઘાનિસ્તાન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ થઈ ગયું છે. તેમના આ નિવેદન સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના સમાચારથી સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. કેએસઈ-૧૦૦ ઈન્ડેક્સ એક સમયે ૩,૦૮૧ પોઈન્ટ અથવા ૧.૮૨ ટકા તૂટીને ૧,૬૫,૮૧૧ના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, પાછળથી તેમાં ઘણો સુધારો થયો હતો અને બપોર પછી તે ૦.૫ ટકાના ઘટાડા સાથે ૧,૬૮,૦૬૨ પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કેએસઈ-૧૦૦માં ઓટોમોબાઈલ એસેમ્બલર્સ, સીમેન્ટ, કમર્શિયલ બેંક્સ, ખાતર અને ઓઈલ એન્ડ ગેસ એક્સ્પોલરેશન સ્ટોકમાં પણ સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.



Source link

Related Articles

Back to top button