અફઘાનિસ્તાનના પણ ઈસ્લામાબાદ સુધી હવાઈ હુમલા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર બોમ્બમારો | Pakistan Afghanistan War afghan airstrike in islamabad durand line pakistan army

Pakistan Afghanistan War: દુનિયામાં વધુ એક યુદ્ધ ભડકી ગયું છે. છેલ્લા 24 કલાકથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પાકિસ્તાનના 55 સૈનિકોને માર્યા બાદ અફઘાનિસ્તાને હવે શહેરોમાં મિલિટરી ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ આજે શુક્રવારે સવારે 11 કલાકે અફઘાન એરફોર્સે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે.
પાકિસ્તાનના મિલિટરી કેમ્પ ટાર્ગેટ
અફઘાનિસ્તાને દિન-દહાડે કરેલી એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પાસે આવેલા એક મિલિટરી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક સૈન્ય બેરેક અને જમરુદમાં એક લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનની એર સ્ટ્રાઈક, 4 સૈન્ય બેઝ ટાર્ગેટ
-ઈસ્લામાબાદ
-નૌશેરા
-જમરૂદ
-એબટાબાદ
પાકિસ્તાનની એર સ્ટ્રાઈકના જવાબમાં હુમલો: અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય મુજબ, આ ખાસ ઓપરેશનમાં મિલિટરી સાઈટ્સ, સેન્ટર્સ અને ફેસીલીટીને સટીક રીતે નિશાન બનાવવામાં આવી છે. આ સ્ટ્રાઈક કાલે રાત્રે કાબુલ, કંધાર અને પક્તિયામાં પાકિસ્તાની મિલિટરી દ્વારા કરવામાં આવેલી એર રેડસનો જવાબી હુમલો છે. આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
![]() |
| અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયનું નિવેદન |
પાકિસ્તાને કરી હતી ભયાનક એર સ્ટ્રાઈક
પાકિસ્તાની વાયુસેનાએ (PAF) ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર ભયાનક એર સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનને પાકિસ્તાને ‘ગઝબ લિલ હક’ નામ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એર સ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું.
પાકિસ્તાની હુમલામાં કાબુલ-કંધારમાં 133ના મોત
પાકિસ્તાની વાયુસેનાએ 27 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે અફઘાનિસ્તાનના તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો હતો. પાકિસ્તાની દાવા મુજબ, આ એર સ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.
પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરતા કાબુલ અને કંધારમાં એર સ્ટ્રાઈક કરી છે, જેમાં 133 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આ સ્થિતિને સત્તાવાર રીતે ‘યુદ્ધ’ ગણાવી દીધું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરબ કેવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે સાઉદી પહેલેથી જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવવા માટે પ્રયત્નશીલ રહ્યું છે.
કેવી રીતે યુદ્ધનો ભડકો થયો?
આ સૈન્ય અથડામણની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાને 21 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનની અંદર શંકાસ્પદ આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, તેની પાસે પાકા પુરાવા છે કે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ બળવાખોરો પાકિસ્તાન પર હુમલા કરવા માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે.
જેના જવાબમાં, તાલિબાનોએ ગુરુવારે વળતી કાર્યવાહી કરતા પાકિસ્તાનની ડઝનેક સીમા ચોકીઓ પર કબજો મેળવવાનો અને 55 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઉશ્કેરણીના જવાબમાં જ પાકિસ્તાને શુક્રવારે વહેલી સવારે કાબુલ અને કંદહાર પર મિસાઈલો વરસાવી હતી.
આ પણ વાંચો: શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! જિનીવા બેઠકમાં અમેરિકાની ઈરાન સામે 5 મોટી શરત
વિવાદનું અસલી કારણ શું છે?
2021માં કાબુલ પર તાલિબાનના કબજા બાદથી જ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં ભારે વધારો થયો છે. પાકિસ્તાનનો આરોપ છે કે, TTPના લડાયકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મેળવી રહ્યા છે. જોકે, કાબુલ હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે. તાજેતરના હુમલા પહેલા બાજોર જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં 11 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. જેનો આરોપ પાકિસ્તાને અફઘાન મૂળના હુમલાખોર પર લગાવ્યો હતો.




