गुजरात

સુરત પાલિકામાં ફરી એક વખત ભુતીયા હાજરીનું કૌભાંડ : SSI, વોર્ડ ઓફિસના મુકાદમ, સફાઈ કર્મચારીઓની મીલીભગત | fake attendance scam in athwa zone of Surat Municipality



Surat Corporation : સુરત પાલિકામાં કચરા કૌભાંડમાં કૌભાંડીઓ સામે તપાસ પૂરી નથી થઈ અને પગલાં નથી ભરાયા ત્યારે પાલિકાના સફાઈ કામદારોનું ભુતિયા હાજરી કૌભાંડ બહાર આવ્યું છે. સુરત પાલિકાના અઠવા ઝોનમાં આરોગ્ય વિભાગના ઉપરી કર્મચારીઓની મીલીભગતમાં સફાઈ કામદારોની બોગસ હાજરી કૌભાંડ થઈ રહ્યું હોવાનું વિજીલન્સ તપાસમાં બહાર આવ્યું છે. વિજીલન્સ તપાસમાં અઠવા ઝોનમાં બાયોમેટ્રીક હાજરી ન હોવા છતાં રજીસ્ટરમાં હાજરી પુરી હોવાનું બહાર આવતા બે સફાઈ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે જેમની મીલી ભગતમાં કૌભાંડ થયું છે તેની તપાસ થઈ રહી છે અને જવાબદાર નિકળે તો તેમની સામે પણ પગલાં ભરવા કવાયત થઈ રહી છે. 

સુરત પાલિકા સ્વચ્છતા લીગમાં અગ્રેસર રહ્યું છે તેના માટે સફાઈ કામદારોનો મોટો ફાળો છે. મોટાભાગના સફાઈ કામદારો નિષ્ઠાથી કામ કરે છે જ્યારે કેટલાક સફાઈ કામદારો ઉપરી અધિકારી-કર્મચારીઓ સાથે મેળાપીપણા કરીને હાજરી પુર્યા વિના જ પાલિકાનો પગાર ખાઈ રહ્યાં છે. પાલિકાના સફાઈ કામદારોમાં બોગસ હાજરી કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ બાદ મ્યુનિ.ના ડે.કમિશનર દિનેશ ગુરવે આ અંગે તપાસ વિજીલન્સ વિભાગને સૂચના આપી હતી. દરમિયાન અઠવા ઝોનમાં પનાસ વોર્ડ ઓફિસમાં બોનસ હાજરી કૌભાંડ મળી આવ્યું હતું.

અઠવા ઝોનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર મકવાણા અને શૈલેષ નામના કર્મચારીઓની બાયોમેટ્રીક હાજરી ન હતી પરંતુ રજીસ્ટર ચેક કરતા રજીસ્ટરમાં નિયમિત હાજરી પુરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ સફાઈ કામદારોની કુલપતિ ભવનથી અણુવ્રત દ્વાર ઓવરબ્રિજના રૂટ પર સફાઈ માટે નિમણૂક કરવામાં આવી હતી. પણ સીસીટીવી ફુટેજમાં આ કર્મચારીઓ કામગીરીમાં હાજર ન હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ઘણી વખત બાયોમેટ્રીક હાજરી પુરી ગાયબ થતા હોવાનું પણ બહાર આવ્યું હતું. 

આ સફાઈ કામદારોને જાન્યુઆરી 2025 થી ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળામાં હાજરી પત્રક અને બાયોમેટ્રિક હાજરી વચ્ચે મોટી વિસંગતતા જોવા મળી હતી. જેથી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કિસ્સામાં ઉપરી કર્મચારીઓની મિલિભગતમાં આયોજનબદ્ધ રીતે બંને સફાઈ કામદારો ફક્ત બાયોમેટ્રિક હાજરી ભરી સ્થળ પર નિયમિત કામગીરી માટે આવતા ન હોવાનું પણ સામે આવ્યું છે. આગામી દિવસોમાં વીજીલન્સના રીપોર્ટને આધારે અઠવા ઝોનના મુકાદમ, એસએસઆઇ, એસઆઇ સામે પણ આયોજનબદ્ધ રીતે કૌભાંડ કરવાના મુદ્દે પગલાં ભરાવાની શક્યતા નકારી શકાતી નથી. આ પનાસની વોર્ડ ઓફિસમાંથી બહાર આવેલું કૌભાંડ છે આવી જ તપાસ અન્ય જગ્યાએ પણ કરવામાં આવે તો બોગસ હાજરી કૌભાંડ મળી શકે તેવી પણ શક્યતા છે. 



Source link

Related Articles

Back to top button