ભારત-ઇઝરાયેલ વચ્ચે AI, ડિફેન્સના 17 કરારો | India Israel sign 17 agreements on AI defense

![]()
– ટૂંક સમયમાં ઇઝરાયેલ સાથે ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરશે
– આતંકવાદને જરા પણ સાંખી નહીં લેવાય, તેની સામે લડવા માટે ભારત-ઇઝરાયેલે હાથ મિલાવ્યા: મોદી
– બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા 60 લાખ યહૂદીઓની યાદમાં બનેલા સ્મારકની મોદીએ મુલાકાત લીધી, ભાવુક થઇ શ્રદ્ધાંજલિ પાઠવી
તેલ અવિવ/નવી દિલ્હી : ઇઝરાયેલ અને ભારત વચ્ચે ૧૭ જેટલા મહત્વના કરારો થયા છે, ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં આ કરારો અંગે નિર્ણય લેવાયા હતા. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને પણ સમર્થન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ગાઝામાં ઘર્ષણનો શાંતિપૂર્વક અંત આવે તેવી ભારતની પણ ઇચ્છા છે. માનવતા ક્યારેય પણ ઘર્ષણનો શિકાર ના બનવી જોઇએ.
ભારત અને ઇઝરાયેલ વચ્ચે મહત્વના ૧૭ કરારો થયા છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ, વેપાર, રોકાણ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, સંસ્કૃતિ, મેરીટાઇમ હેરિટેજ, કૃષિ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે સંરક્ષણ મુદ્દે જે પણ કઇ કરારો થયા છે તેને વધુ આગળ વધારવા માટે પણ સંમતિ થઇ હતી, મીડિયા સાથે વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઇઝરાયેલ અને ભારતનો આ સંબંધ ઉંડા વિશ્વાસ પર આધારિત છે, બન્ને દેશો એકબીજાની સાથે માનવ મૂલ્યોની આપલે પણ કરે છે. સમય સાથે આ સંબંધો વધુ મજબૂત બનતા ગયા છે. હવે અમે ઐતિહાસિક નિર્ણય લીધો છે, આ ટાઇમ ટેસ્ટેડ પાર્ટનરશિપને હવે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં ફેરવવાનો સમય આવી ગયો છે.
મોદીએ કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના આર્થિક સહકાર વિકાસ, ઇનોવેશનનું એન્જિન બન્યા છે, હવે ટૂંક સમયમાં બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થવા જઇ રહ્યા છે. ઇઝરાયેલ અને ભારત બન્નેની આતંકવાદ વિરોધી નીતિ અંગે પણ મોદીએ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે બન્ને દેશો એક મુદ્દે બહુ જ સ્પષ્ટ છે કે આતંકવાદની વિશ્વમાં ક્યાંય પણ જગ્યા ના હોવી જોઇએ, કોઇ પણ પ્રકારનો આતંકવાદ ના ચલાવી લેવાય. બુધવારે બે દિવસની મુલાકાત માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે આતંકવાદની સામે તેને સમર્થન કરનારાની વિરુદ્ધમાં ભારત અને ઇઝરાયેલ ખભે ખભો મિલાવીને ચાલ્યા છે.
જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે જે ઇનોવેટ કરે છે તેના હાથમાં ભવિષ્ય છે, એવામાં ભારત અને ઇઝરાયેલ ઇનોવેશન કરવા મક્કમ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઇઝરાયેલના યાદ વાશેમ સ્મારકની મુલાકાત લીધી હતી, અહીંયા પહોંચતા જ મોદી ભાવૂક થઇ ગયા હતા કેમ કે આ સ્મારક ઇટલરના શાસન દરમિયાન માર્યા ગયેલા ૬૦ લાખથી વધુ યહૂદીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. મોદીએ બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા તમામ પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે ઇઝરાયેલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ અને યાદ વાશેમના ચેરમેન દાની દયાન પણ સાથે હતા. મોદી આ સ્થળે થોડા સમય માટે મૌન ઉભા રહ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ કાદિશ પ્રાર્થના પાઠ પણ કર્યા હતા.
ગુરુવારે નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના યહૂદીઓની સાથે મુલાકાત કરી હતી, ઇઝરાયેલમાં ભારતીય મૂળના આશરે ૮૫,૦૦૦ યહૂદીઓ છે. આ ઉપરાંત મોદીએ જેરુસલેમમાં આયોજીત ટેક્નોલોજી એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી અને ટેક્નોલોજીથી વધુ માહિતગાર થયા હતા, જેમાં ઇઝરાયેલની અનેક સ્ટાર્ટઅપ અને ટેક કંપનીઓ સામેલ થઇ હતી. આ દરમિયાન મોદીએ એઆઇ, હેલ્થ-ટેક, સાઇબર સિક્યોરિટી, ક્વાંટમ કમ્પ્યુટર, એગ્રી-ટેક, વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી ટેક્નોલોજીનો અનુભવ કર્યો હતો. મોદીએ અલગ અલગ સ્ટોલ પર જઇને તમામ પ્રદર્શની નિહાળી હતી. આ દરમિયાન તેમની સાથે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ પણ જોડાયા હતા.
ઇઝરાયેલમાં ભારતનું યુપીઆઇ લોન્ચ
તેલ અવિવ : ભારત અને ઇઝરાયેલ વચ્ચે યુપીઆઇના ઉપયોગ માટે કરારો થયા છે, તેલ અવિવમાં મોદી અને નેતન્યાહુએ સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી હતી. બન્ને દેશો વચ્ચે થયેલા કરારો મુજબ ભારતના યુપીઆઇને ઇઝરાયેલના સ્થાનિક પેમેન્ટ સિસ્ટમની સાથે જોડવામાં આવશે. જેને કારણે બન્ને દેશો વચ્ચેનો નાણાકીય વ્યવહાર વધુ સરળ બનશે. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શન ખર્ચો અને સમય બન્નેની બચત થશે. આ અંગે ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે ભારતના યુપીઆઇનો ઇઝરાયેલમાં પણ ઉપયોગ થઇ શકશે જે માટે બન્ને દેશો સંમત થયા છે. ક્રોસ બોર્ડર પેમેન્ટ વધુ સરળ બનવાની પણ આશા છે. જેને કારણે વેપાર, પર્યટન ક્ષેત્રે પણ ફાયદો થશે.
પીએમ મોદી માટે ડિનર: નેતન્યાહુ ભારતીય પોશાકમાં પહોંચ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલના બે દિવસના ઈઝરાયેલ પ્રવાસથી પરત ભારત ફર્યા છે. પરંતુ, આ પ્રવાસ દરમિયાન તેમની યાદ વાશેમ હોલોકોસ્ટ મેમોરિયલની મુલાકાત ચર્ચાસ્પદ રહી હતી. તેમણે ૬૦ લાખ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી તરફ, તેમનું ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેનું ડિનર પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાયું હતું. આ ડિનર દરમિયાન ઈઝરાયેલના પીએમ ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ, સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે, બેન્જામિન નેતન્યાહુએ પહેર્યું છે એ નહેરુ જેકેટ છે કે, મોદી જેકેટ? તેનો કોઈ સ્પષ્ટ જવાબ તો નથી પરંતુ, હા ઈઝરાયેલના પીએમ ભારતીય પોશાકમાં જોવા મળ્યા તેનો આનંદ છે.



