એમેઝોન, મેટા, ગૂગલે કર્મચારીઓ માટે એઆઈનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો | Amazon Meta Google make use of AI mandatory for employees

![]()
– પ્રમોશન માટે એઆઈની આડવત નવો માપદંડ
– જાણકારોના મતે, એઆઈ અપનાવતી કંપનીઓ જ લાંબા ગાળે ટકી શકશે, કર્મચારીઓને નોકરી ટકાવવા માટે એઆઈ જરૂરી
કેલિફોર્નિયા :વિશ્વની મોટી ટેક કંપનીઓ એઆઈ ટૂલ્સ બનાવવાની સાથે સાથે તેના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે. એમેઝોન, ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ કર્મચારીઓ નિયમિતરૂપે એઆઈનો કેટલો ઉપયોગ કરે છે તેની નજર રાખીને તેનો વધુ ઉપયોગ કરાવી રહી છે. આ કંપનીઓના કર્મચારીઓના પરફોર્મન્સ રિવ્યુ અને પ્રોડક્ટિવિટી મેટ્રિક્સમાં એઆઈનો ઉપયોગ મહત્ત્વનો બન્યો છે. કેટલીક કંપનીઓમાં પ્રમોશન અથવા નોકરી ચાલુ રાખવા માટે એઆઈનું જ્ઞાાન જરૂરી બન્યું છે.
જાણકારોના મતે, એઆઈ અપનાવતી કંપનીઓ જ લાંબા ગાળે ટકી શકશે. એમેઝોને એન્જિનિયર્સ માટે એઆઈ ટૂલ્સની ઉપયોગિતા માટેના ડેશબોર્ડ બનાવ્યા છે. ગૂગલે સોફ્ટવેર એન્જિનિયર્સના પરફોર્મન્સ રિવ્યૂમાં એઆઈના ઉપયોગનો સમાવેશ કર્યો છે. મેટાની નવી સિસ્ટમ એઆઈ દ્વારા લખાયેલા કોડની લાઈનો જેવી માહિતીઓ ટ્રેક કરશે. માઈક્રોસોફ્ટમાં કર્મચારીઓ તેમના વર્કફ્લોમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે કરે છે તે કહેવું ફરજિયાત બનાવાયું છે. સેલ્સફોર્સના વાર્ષિક ડેશબોર્ડમાં એઆઈ ફ્લુઅન્સી ટ્રેકર ઉમેરવામાં આવ્યું છે.
તાજેતરના સર્વેમાં ટેક સેક્ટરના લગભગ ૪૨ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે, તેમના મેનેજરો રોજિંદા કામમાં એઆઈનો ઉપયોગ કરવાની અપેક્ષા રાખે છે. આ આંકડો માત્ર આઠ મહિના પહેલા ૨૮ ટકા હતો. આઈટી સિવાયના સેક્ટર્સમાં ૩૫ ટકા કંપનીઓને એઆઈથી ફાયદો થયો હોવાનું સામે આવ્યું છે. એઆઈનો ઉપયોગ વધી રહ્યો હોવા છતાં ઘણા કર્મચારીઓને શંકા છે કે, એઆઈ ખરેખર સમય બચાવે છે કે નહીં. પરંતુ, તેમને નોકરીની ચિંતા હોવાથી એઆઈને અપનાવ્યું છે.



