ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and ai in gujarat board exam

![]()
વડોદરાઃ ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રથમ ભાષા તરીકે ગુજરાતી અને અંગ્રેજીની પરીક્ષા આપી હતી.બંને વિષયના પેપર એકંદરે સરળ હોવાનો મત વિષય શિક્ષકોએ વ્યકત કર્યો હતો.
ગુજરાતી વિષયના શિક્ષક દીપિકા પટેલે કહ્યું હતું કે, સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી પણ સારા માર્કસ લાવી શકે તેવું પેપર હતું.જોડકા, વ્યાકરણ વિભાગના સવાલ જવાબ સરળ હતા.વૃક્ષારોપણ પર અહેવાલ લેખનનો સવાલ પૂછાયો હતો.મારો યાદગાર પ્રવાસ તેમજ સ્વદેશી અપનાવો અને દેશને સમૃધ્ધ બનાવો, એ શિક્ષકને હું કેમ ભુલી શકું .. વિષય પર નિબંધો પૂછાયા હતા.
જ્યારે અંગ્રેજી વિષયના શિક્ષક હાર્દિક શાહે કહ્યું હતું કે, નિયમિત રીતે મહેનત કરનારા વિદ્યાર્થીઓ સારા માર્કસ લાવી શકે તે પ્રકારનું પેપર હતું.પાઠય પુસ્તક વિભાગના સવાલો અને વ્યાકરણ પણ સરળ હતું.ઈન્ડિયા ઓફ માય ડ્રીમ.., કેન એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) રિપ્લેસ હ્યુમન બ્રેઈન …વિષય પર નિબંધો પૂછાયા હતા.
ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓનું ફિઝિક્સનું પેપર પણ સહેલું હતું.શિક્ષક નરેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, એમસીક્યૂ પાઠયપુસ્તક આધારિત અને સહેલા હતા.સેક્શન બી પણ સહેલું હતું.અગાઉના પેપર કરતા પણ આજનું પેપર વિદ્યાર્થીઓને સહેલું લાગ્યું હશે અને વિદ્યાર્થીઓ સારામાં સારા માર્કસ લાવી શકશે.
ઈકોનોમિક્સનું પેપર બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મુદ્દાસર જવાબ આધારિત પ્રશ્નો પૂછાયા
ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઈકોનોમિક્સની પરીક્ષા આપી હતી.પેપર સંતુલિત, અભ્યાસક્રમને અનુરુપ અને બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે રહ્યું હતું.શિક્ષક મંઝૂરઅલી ખરોડિયાએ કહ્યું હતું કે, મોટાભાગના પ્રશ્નો પાઠય પુસ્તક આધારિત હતા.ખાસ કરીને વિસ્તૃત ઉત્તરવાળા સવાલોમાં માત્ર મુદ્દાસર જવાબ આધારિત પ્રશ્નો પૂછાયા હતા.જેના કારણે વિષયની મૂળભૂત સમજ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઉત્તર લખવા સહેલા રહ્યા હતા.



