વિદ્યાર્થીઓનું ચોકલેટ- ગુલાબ સાથે સ્વાગત, વાલીઓ બહાર ગરમીમાં શેકાયા | students welcomed with flowers and sweets on first day of gujarat board exam

![]()
વડોદરાઃ રાજ્યની સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો.પરીક્ષાનો પહેલો દિવસ હોવાથી અને વિદ્યાર્થીઓ તણાવ ના અનુભવે તે માટે પરીક્ષા કેન્દ્રો પર ચોકલેટ, ગુલાબો આપીને અને તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.એક પરીક્ષા કેન્દ્રો પર તો વિદ્યાર્થીઓને બેન્ડવાજા સાથે આવકારવામાં આવ્યા હતા.
ધો.૧૦ના વિદ્યાર્થીઓએ પહેલા દિવસે પ્રથમ ભાષાના ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોની પરીક્ષા આપી હતી.જ્યારે ધો.૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઈકોનોમિક્સ અને વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ફિઝિક્સની પરીક્ષા આપી હતી.પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાઈ હતી.પહેલા દિવસે ધો.૧૦ કે ૧૨માં ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નહોતો.જોકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટીતંત્ર કે પછી ડીઈઓ કચેરી દ્વારા મોટાભાગના પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ માટે શમિયાણા અને પીવાના પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવી નહોતી.જેના કારણે આકરી ગરમીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા.બીજી તરફ નેતાઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે સ્કૂલો પર પહોંચી ગયા હતા.
વિદ્યાર્થિની બેભાન, હોશમાં આવ્યા બાદ પરીક્ષા આપી
માંજલપુર વિસ્તારની જય અંબે સ્કૂલમાં ધો.૧૦ની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી.સ્થળ સંચાલકે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી.વિદ્યાર્થિની પ્રાથમિક સારવાર બાદ હોંશમાં આવી હતી અને તેણે પરીક્ષા પણ આપી હતી.જ્યારે માંજલપુર વિસ્તારની જ અન્ય એક સ્કૂલ એમ કે ગાંધી સ્કૂલમાં વિદ્યાર્થિનીને ખેંચ આવી હતી.તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ગણતરીના કલાકોમાં રાઈટરની વ્યવસ્થા કરી
પરીક્ષાની પૂર્વ સંધ્યાએ અકસ્માત નડયો અંગૂઠામાં ફ્રેકચર સાથે પરીક્ષા આપી
શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ભણતી ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિની આયુષી રાણા બિલ- ચાપડ ખાતે રહે છે.પરીક્ષાના આગલા દિવસે તે એક્ટિવા પરથી પડી ગઈ હતી અને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેકચર થયું હતું.સ્કૂલના આચાર્ય દ્વારા અને વાલીઓ દ્વારા રાઈટર મેળવવા માટે આજે સવારે ડીઈઓ કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ડીઈઓ કચેરી દ્વારા તાત્કાલિક રાઈટર માટે મંજૂરી આપવામાં આવી હતી.જેના કારણે આ વિદ્યાર્થિની આજે બોર્ડ પરીક્ષામાં બેસી શકી હતી.આયુષીએ કહ્યું હતું કે, મેં પરીક્ષા માટે કેટલાય વખતથી તૈયારીઓ શરુ કરી હતી અને હું એક અકસ્માતના કારણે ડ્રોપ લેવા ઈચ્છતી નહોતી.આજે પેઈન કિલર ટેબલેટ ખાઈને પણ મેં પરીક્ષા આપી હતી.



