એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય | missing epstein files trump abuse allegations justice department review

Donald Trump Epstein Files: અમેરિકામાં જેફરી એપસ્ટિન કેસ સાથે જોડાયેલા દસ્તાવેજોને લઈને નવો વિવાદ છેડાયો છે. ડેમોક્રેટ્સ દ્વારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર પર ‘આધુનિક ઇતિહાસના સૌથી મોટા ગવર્નમેન્ટ કવર-અપ’ (માહિતી છુપાવવાનો) ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે, ટ્રમ્પ સામે સગીરાના યૌન શોષણની ફરિયાદો સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના દસ્તાવેજો જાણીજોઈને જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ તમામ આરોપોને નકારતા રહ્યા છે અને દાવો કર્યો છે કે જાહેર થયેલા દસ્તાવેજો તેમને નિર્દોષ સાબિત કરે છે.
FBIના ચારમાંથી ત્રણ ઇન્ટરવ્યૂ રિપોર્ટ્સ ફાઇલમાંથી ગુમ
મીડિયા રિપોર્ટ્સ અને NPRના અહેવાલ મુજબ, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એક પીડિત મહિલાની પૂછપરછમાં FBI દ્વારા તૈયાર કરાયેલા ચારમાંથી ત્રણ ઈન્ટરવ્યૂનો સારાંશ ગાયબ છે. આ દસ્તાવેજોમાં મહિલાએ એવો આરોપ લગાવ્યો હતો કે વર્ષ 1980ના દાયકામાં, જ્યારે તેની ઉંમર માત્ર 13થી 15 વર્ષની હતી, ત્યારે એપસ્ટિને તેની મુલાકાત ટ્રમ્પ સાથે કરાવી હતી અને ટ્રમ્પે તેનું શોષણ કર્યું હતું. આ મામલે ડેમોક્રેટ સાંસદ રોબર્ટ ગાર્સિયાએ પણ તપાસની માંગ કરી છે અને દાવો કર્યો છે કે વિભાગે ગેરકાનૂની રીતે આ દસ્તાવેજો રોક્યા છે.
આ પણ વાંચો: ભારત-ગ્રીસ-ઈઝરાયલની ‘ત્રિશક્તિ’ તૈયાર: પાકિસ્તાન અને તુર્કીયેના ‘નાપાક ગઠબંધન’માં ફફડાટ!
અંગત વિગતો સુરક્ષિત રાખવા દસ્તાવેજો હટાવ્યા હોવાની વિભાગની સ્પષ્ટતા
બીજી તરફ, ન્યાય વિભાગે આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે તેઓ ફાઇલોની સમીક્ષા કરી રહ્યા છે અને જો કોઈ દસ્તાવેજ ભૂલથી રહી ગયો હશે, તો તેને કાયદા મુજબ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિભાગનું કહેવું છે કે કેટલીક ફાઈલો પીડિતોની અંગત વિગતો સુરક્ષિત રાખવા માટે કામચલાઉ ધોરણે હટાવવામાં આવી હોઈ શકે છે. હાલમાં આ મામલે ડેમોક્રેટ્સ દ્વારા સમાંતર તપાસ શરૂ કરવાની અને કોંગ્રેસ પાસે તમામ ગુમ થયેલા રેકોર્ડ્સની માંગણી કરવાની તૈયારી બતાવવામાં આવી છે, જેનાથી અમેરિકન રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.




