दुनिया

કુદરત રૂઠી! 46ના મોત, 21 ગુમ, હજારો લોકો બેઘર… બ્રાઝિલમાં પૂરથી હાહાકાર | brazil flood landslide deaths minas gerais update 2026




Brazil Floods : દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કુદરતનો ભયાનક કહેર જોવા મળી રહ્યો છે. દક્ષિણ-પૂર્વ બ્રાઝિલમાં આવેલા ભીષણ પૂરને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ ગુમ છે. જેની શોધખોળ ચાલુ છે. સેંકડો પરિવારો પોતાના ઘર છોડી સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે.

ભારે વરસાદ અને પૂરથી હાહાકાર

બ્રાઝિલના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરથી તબાહી મચી ગઈ છે. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, આગામી થોડા દિવસોમાં આ વિસ્તારમાં હજુ વધુ વરસાદ થવાની શક્યતા છે. મિનાસ ગેરેસ રાજ્યમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કાદવ અને કાટમાળમાં દબાયેલા ઘરો અને નગરોમાં બચાવકર્મીઓ રાહત સામગ્રી પહોંચાડવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.

ફાયર વિભાગે આંકડા જાહેર કર્યા

3,600 લોકો વિસ્થાપિત, અનેક હજુ પણ લાપતા છે બ્રાઝિલના ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આશરે 21 લોકો હજુ પણ લાપતા છે. જુઈઝ ડે ફોરા અને ઉબા શહેરોમાં પૂરના કારણે આશરે 3,600 લોકો વિસ્થાપિત થયા છે, જેમને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

એક 11 વર્ષીય બાળકનું કરુણ મોત

આ દુર્ઘટનામાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. મૃતકોમાં 11 વર્ષીય બર્નાર્ડો લોપેસ દુત્રાનો પણ સમાવેશ થાય છે, જેનું ઘર ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગયું હતું. બર્નાર્ડોના પિતા રિકાર્ડો દુત્રાએ અંતિમ સંસ્કાર દરમિયાન ભારે હૈયે જણાવ્યું કે, આ એક એવી દુર્ઘટના છે જેની કોઈએ કલ્પના કરી નહોતી. બર્નાર્ડોની માતા અને બહેન હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સરકાર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને બચાવ અભિયાનમાં તૈનાત કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વસ્તીને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પહાડી વિસ્તારો અને ઢોળાવ પર વસતા લોકો માટે વિશેષ આરોગ્ય ટીમો પણ રવાના કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button