ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

![]()
વડોદરા, તા.25 વડોદરા શહેરના માર્ગો પર ઓવર સ્પીડથી વાહનો હંકારતા ચાલકો સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવીને તેઓની સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. માત્ર બે માસમાં જ રૃા.૪૧ લાખ જેટલો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના રાજમાર્ગો પર અનેક સ્થળોએ ખાડાઓ પડેલા છે તેમ છતાં વાહન ચાલકો નિર્ધારિત સ્પીડ કરતા વધુ ઝડપે વાહન હંકારતા હોય છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન દ્વારા ચકાસણી કરીને વાહનોને રોકી ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખુલ્લા રોડ હોય તેવા રસ્તા પર ટુ વ્હીલરો તેમજ કારના ચાલકો ઝડપ કાબૂમાં રાખતા નથી અને દંડનો સામનો કરવો પડે છે.
શહેરમાં હવે તો દારૃ પીને પણ વાહન હંકારવાની ફેશન થઇ ગઇ છે. આવા વાહનચાલકો અકસ્માત કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. બીજી બાજુ વાહન ચાલકો સામે માત્ર જામીન લાયક ગુના નોધાય છે અને બાદમાં છૂટીને તેઓ ફરી વહી રફ્તાર જેવા વાહનો હંકારવા લાગે છે. શહેરમાં સ્પીડ લિમિટમાં વાહનો હંકારે તેમજ જોખમી રીતે વાહનો ના દોડાવે તે હેતુથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેના વિવિધ માર્ગો પર સ્પીડગનનો ઉપયોગ કરીને વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા બે માસમાં કુલ ૧૯૪૮ વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને રૃા.૪૧.૭૨ લાખના ઇ-ચલણ આપીને દંડ ફટકારવામાં આવ્યો છે.
ટ્રાવેલ્સ બસને રોકી તો ૮૫ હજાર મેમાની રકમ બાકી નીકળી
કપુરાઇ ચોકડી પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન એઆર પાસિંગની એક ટ્રાવેલ્સ બસને રોકી તેના ચાલકને એલઇડી લાઇટનો મેમો અપાયો હતો. બસના ચાલક પાસે લાઇસન્સ તેમજ અન્ય ડોક્યૂમેન્ટ પણ ન હતાં. દરમિયાન બસની વિગતો તપાસતા રૃા.૮૫ હજાર રકમ ઇ ચલણ પેટે પેન્ડિંગ હોવાનું જણાયું હતું જેથી પોલીસે આરટીઓનો મેમો આપી બસને ડીટેઇન કરાઇ હતી.

