दुनिया

‘નેતન્યાહૂને ગળે લગાવવા એ કાયરતા…’, PM મોદીના ઈઝરાયલ પ્રવાસ પર ભડકી કોંગ્રેસ | ongress slams pm modi israel visit priyanka gandhi gaza statement



Congress Slams PM Modi Israel Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય ઈઝરાયલ મુલાકાતે દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુલાકાતની આકરી ટીકા કરતાં તેને ‘નૈતિક કાયરતા’ ગણાવી છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે, જ્યારે સમગ્ર વિશ્વ ગાઝામાં થઈ રહેલી હિંસા અને માનવીય સંકટ બદલ બેન્જામિન નેતન્યાહૂની આકરી ટીકા કરી રહ્યું છે, ત્યારે ભારતીય પીએમ તેમને ગળે લગાવી રહ્યા છે, જે બાબત અત્યંત ગંભીર છે.

જયરામ રમેશે યાદ અપાવ્યો ભારતનો ઇતિહાસ

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા દ્વારા ભારતની જૂની વિદેશ નીતિ અને પેલેસ્ટાઇન સાથેના ઐતિહાસિક સંબંધોના ઉદાહરણો આપીને વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારતના પેલેસ્ટાઇન પ્રત્યેના નૈતિક અને રાજકીય અભિગમનું મહત્ત્વ સમજાવતા 3 મુખ્ય મુદ્દા રજૂ કર્યા હતા. 

1960: જવાહરલાલ નેહરુની ગાઝા મુલાકાત – આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રીએ ગાઝા પટ્ટીની મુલાકાત લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઇનના સમર્થનનો પાયો નાખ્યો હતો.

1981: સમર્થનમાં ટપાલ ટિકિટ – ભારતે પેલેસ્ટાઈનની લડતને નૈતિક ટેકો આપવા માટે વિશેષ સ્મારક ટિકિટ બહાર પાડી હતી.

1988: સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા – ભારત એવા દેશોમાં સામેલ હતું જેણે પેલેસ્ટાઈનને એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું હતું.

વર્તમાન સરકાર પર ‘બેવડા ધોરણો’ રાખવાનો આરોપ

જયરામ રમેશે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ઈઝરાયલ સાથેની નિકટતા વધારીને વર્તમાન સરકાર પેલેસ્ટાઈન મુદ્દે માત્ર દેખાડો કરી રહી છે. તેમણે ગંભીર ટીકા કરતાં જણાવ્યું કે ભારત સરકારે વાસ્તવમાં પેલેસ્ટાઈનના લોકોને તેમના હાલ પર છોડી દીધા છે અને જૂની સૈદ્ધાંતિક વિદેશ નીતિ સાથે છેડો ફાડી દીધો છે.

આ પણ વાંચો: NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’

પ્રિયંકા ગાંધીની ન્યાયની માંગ: ‘નેસેટમાં ઉઠાવો ગાઝાનો મુદ્દો’

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને આશા છે કે પીએમ મોદી ઇઝરાયલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરતી વખતે ગાઝામાં નિર્દોષ મહિલાઓ અને બાળકોના ‘નરસંહાર’નો ઉલ્લેખ કરશે. ભારત હંમેશા સત્ય અને ન્યાયની પડખે રહ્યું છે, તેથી પીએમએ ત્યાં ન્યાયની માંગણી કરવી જોઈએ.’

શા માટે આ મુલાકાત મહત્ત્વની છે?

પીએમ મોદી બુધવારે સવારે દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યાપાર સહયોગને મજબૂત કરવા માટે ઈઝરાયલ રવાના થયા છે. છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વર્ષ 2017માં તેમની મુલાકાત બાદ ભારત અને ઈઝરાયલના સંબંધો ‘વ્યૂહાત્મક ભાગીદારી’માં ફેરવાયા હતા. જોકે, વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની અને વિવાદાસ્પદ બની રહી છે.



Source link

Related Articles

Back to top button