પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યાં, 11ના મોત | 11 died in Terror Attacks in Pakistan’s Punjab and KPK 2026

![]()
Pakistan 11 Died News | પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં 9 સુરક્ષાકર્મીઓ સહિત કુલ 11 લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા.
પંજાબમાં આત્મઘાતી હુમલો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી ‘અંસાર-ઉલ-ઇસ્લામ’ નામના આતંકી સંગઠને લીધી હતી. હુમલાખોરની ઓળખ અબુ દર્દા તરીકે થઈ છે. ખાસ વાત એ છે કે, અગાઉ બરેલવી ઉગ્રવાદી સંગઠન તરીકે ઓળખાતા અંસાર-ઉલ-ઇસ્લામે પ્રથમ વખત આ પ્રકારના હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ખૈબર પખ્તુનખ્વા (KPK) માં પોલીસ પર નિશાન
બીજી ઘટના ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ વિસ્તારમાં બની હતી. અહીં આતંકીઓએ પોલીસ વાહનને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પુષ્ટિ કરી છે કે આ હુમલામાં એક વરિષ્ઠ અધિકારી સહિત પાંચ પોલીસકર્મીઓ અને બે સામાન્ય નાગરિકોના મોત થયા છે. આમ, એક જ દિવસમાં પાકિસ્તાનના બે અલગ-અલગ પ્રાંતોમાં આતંકીઓએ 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
સુરક્ષા એજન્સીઓ હરકતમાં
આ હુમલાઓ બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીઓએ પ્રભાવિત વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ હુમલાઓને પાકિસ્તાનની સ્થિરતા સામે મોટું જોખમ ગણાવ્યું છે.


