વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after getting trapped in honeytrap in Lughighar village of Wadiya

![]()
મધ્યપ્રદેશની યુવતી સહિત 5 સામે ગુનો દાખલ
પ્રેમજાળમાં ફસાવી અઢી લાખ અને સોનાનો ચેઈન પડાવ્યા બાદ દુષ્કર્મના કેસની ધમકી આપી બ્લેકમેઈલ કરાતા પગલું ભર્યાની ફરિયાદ
અમરેલી: વડિયા તાલુકાના લુણીધાર ગામે એક રત્ન કલાકાર યુવાને હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મધ્યપ્રદેશની એક યુવતી અને તેના પરિવારજનોએ લગ્નની લાલચ આપી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા બાદ વધુ નાણાંની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદ વડિયા પોલીસ મથકે નોંધાઈ છે.
અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા અને મૂળ લુણીધાર ગામના રત્ન કલાકાર રવજીભાઈ નાથાભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમના નાનાભાઈ સુનીલભાઈ નાથાભાઈ ચાવડાને જ્યોતિબેન ગોવિંદરાવ દવંડે નામની મધ્યપ્રદેશની યુવતીએ પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ જ્યોતિના ભાઈ અજય, પિતા ગોવિંદરાવ, બહેન કિરણ અને તેની માતાએ સુનીલ સાથે જ્યોતિના લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી.
આરોપીઓએ સુનીલભાઈ પાસેથી કટકે-કટકે રૂ. ૨.૫૦ લાખ રોકડા, સોનાનો ચેઈન અને અગત્યના ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીઓએ સુનીલને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જો વધુ રૂપિયા નહીં આપે તો તેના પર બળાત્કારનો પોલીસ કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આરોપીઓના સતત ત્રાસ અને બ્લેકમેઈલિંગથી કંટાળી ગયેલા સુનીલભાઈએ પોતાના મૂળ વતન લુણીધાર ગામે પોતાના ઘરે ઝેરી દવાના ટીકડા ગળી લીધા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.વડિયા પોલીસે આ મામલે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



