સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શો કોઝ નોટિસ | Surat City President issues show cause notice to BJP corporator before SMC elections

Surat : સુરતના ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કોલ્ડ વોરમાં કતારગામમાં ભાજપના કોર્પોરેટરે ઝંપલાવતા હવે પોતે જ ઘેરાયા છે. કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન મુદ્દે ઊભેલા વિવાદે છેલ્લા ઘણા સમયથી આંતરિક અસંતોષ જગાવ્યો હતો. આ વિવાદ મૂળ મોટા નેતાઓ વચ્ચે સીમિત હતો. પરંતુ સ્કૂલની જગ્યા બદલવા મુદ્દે બેફામ નિવેદન કરનારા કતારગામના ભાજપના કોર્પોરેટરના કારણે ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. આ ઉપરાંત આગામી પાલિકાની ચૂંટણી પહેલા વિપક્ષને સીધો મુદ્દો મળી ગયો છે. મોડે-મોડે જાગેલા શહેર સંગઠને આખરે વિવાદી કોર્પોરેટરને શો કોઝ નોટિસ આપી છે અને સાત દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું છે.

કતારગામમાં સરકારી સ્કૂલની જગ્યા બદલવાના મુદ્દે કતારગામના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સોશિયલ મીડિયામાં કરેલા બેફામ નિવેદનો અને ધારાસભ્ય વિનોદ મોરડીયા સામે સીધા-આડકતરા પ્રહારથી મામલો વધુ રાજકીય રંગ લાગ્યો હતો. પાંડવે અનેક વખત બેફામ નિવેદનો છતાં અત્યાર સુધી શહેર સંગઠન મૌન રહ્યું હતું. જેના કારણે ચૂંટણી પહેલા જ વિપક્ષને તૈયાર મુદ્દો થાળીમાં આપી દીધો હતો. આ મુદ્દે શહેર સંગઠને પહેલા કોઈ પગલાં ભર્યા ન હતા કે પાંડવ પર કોઈ લગામ લગાવી ન હતી.
જોકે, પાલિકાની ચૂંટણી પહેલાં સ્કુલની જગ્યા બદલી હતી તે સ્થળે જઈને બેફામ નિવેદન કરી પાલિકાને ફિક્સમાં મુકવા તથા ત્યારબાદ અસામાજિક તત્વો સામે ફરિયાદ બાદ તેમના પરિવારે કરેલા નિવેદનના કારણે વર્ગ વિગ્રહ થાય તેવી સ્થિતિ થઈ હતી અને ભાજપ બેકફુટ પર આવી ગયું છે અને પાલિકાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તેવી શક્યતા છે. અનેક વખત બેફામ નિવેદન આપવા છતાં શહેર ભાજપે કોઈ કામગીરી કરી ન હતી. પરંતુ મોડે મોડે ભાજપ સંગઠન જાગ્યું છે અને આજે શહેર પ્રમુખ પરેશ પટેલે વિવાદી કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને શો કોઝ નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ ઉપરાંત વોર્ડમાં પણ મનસ્વી વર્તનના કારણે પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. તે અંગે દિન સાતમાં ખુલાસો કરવો. આમ બે નેતાઓની લડાઈ વચ્ચે કૂદી પડેલા કોર્પોરેટરની હાલત કફોડી થઈ ગઈ છે. બે મોટા નેતાઓની લડાઈ વચ્ચે ઝંપલાવનારા કોર્પોરેટર હવે પોતે જ રાજકીય ઘેરાબંધીમાં ફસાયા છે. ચૂંટણી પૂર્વે ભાજપ માટે આ આંતરિક વિખવાદ કેટલો નુકસાનકારક નીવડે છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.



