રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સા કાતરૂઓને ‘ટીપ’ આપતા, પોલીસે ઝડપ્યા | The watchman at the ST bus stand turned out to be a thief giving ‘tips’ to pickpockets

![]()
Rajkot ST bus Stand Thief: રાજકોટના એસ.ટી. બસ પોર્ટ અને માધાપર બસ સ્ટેન્ડમાં ગીરદીનો લાભ લઈ મુસાફરોના ખિસ્સા કાપી લેતી ટોળકીના પાંચ સભ્યોને એ-ડિવીઝન પોલીસે ઝડપી લીધા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ટોળકીમાં એસ.ટી. બસ પોર્ટમાં ફરજ બજાવતા બે સિકયુરિટી ગાર્ડની પણ સંડોવણી ખૂલી છે. જેમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટના એસ.ટી. બસ પોર્ટમાં બે મુસાફરોના ખિસ્સામાંથી રૂા. 61,000 ચોરી લેવાયા હતા. આજ રીતે માધાપર બસ સ્ટેન્ડમાં પણ એક મુસાફરના રૂા. 60,000 તફડાવી લેવાયા હતા. જે અંગે એ-ડિવીઝન પોલીસ અને ગાંધીગ્રામ પોલીસમાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. એ-ડિવીઝનના પીઆઈ બી. વી. બોરીસાગરે સ્ટાફના માણસો સાથે મળી સીસીટીવી કેમેરા વગેરે તપાસી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.
જામનગરમાં શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતો અમિન અબ્દુલ તરૈયા અને મુકેશ જશુ વાળા ખાસ ચોરી કરવા માટે રાજકોટ આવતા હતા. રાજકોટમાં આ બંનેને ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતો અમિન અજીત નાગરિયા અને સંજય બટુક દેત્રોજા સહયોગ આપતા હતા. એટલું જ નહીં એસ.ટી. બસ પોર્ટમાં ફરજ બજાવતો મૂળ મહારાષ્ટ્રનો સ્વસ્તિક સુર્યવલી ઉપાધ્યાય પણ મદદ કરતો હતો. જેથી આ ત્રણેયની પણ પોલીસે ધરપકડ કરી છે. એસ.ટી. બસ પોર્ટના વધુ એક સિકયુરિટી ગાર્ડની પણ સંડોવણી ખુલી છે. જેને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે જામનગરના બંને આરોપીઓ ખિસ્સા કાપ્યા બાદ બાકીના ત્રણેય આરોપીઓને કમિશન પણ આપતા હતા. આરોપીઓ પાસેથી રૂા.1.16 લાખ રોકડા કબજે કરાયા છે. આરોપી સંજય અને અમિન વિરૂધ્ધ વાડીનાર અને વેરાવળ પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે.
આ ટોળકીએ બીજા કેટલા મુસાફરોના ખિસ્સા કાપ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સંગઠિત બની ગુના આચરતા હોવાથી તે અંગેની કલમ પણ પોલીસે ઉમેરી છે. બસ પોર્ટના સિકયુરિટી ગાર્ડઝની સંડોવણી ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. બસ પોર્ટમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોના કિંમતી મુદ્દામાલની ચોરી થતી હતી. જેમાં ઝડપાયેલી ટોળકી જ સામેલ છે કે બીજી કોઈ ટોળકી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


