છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હોબાળો | naswadi minor disabled woman sexual assault case protest police station chhotaudepur

![]()
Chhotaudepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. નસવાડીના એક ગામની 30 વર્ષીય મંદબુદ્ધિની યુવતીને એક નરાધમ ઉપાડીને જંગલમાં લઈ ગયો હતો, જ્યાં તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. નરાધમે યુવતીના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને તેની હાલત ગંભીર થઈ જતાં તેને જંગલની ઝાડીઓમાં જ ત્યજીને નાસી છૂટ્યો હતો.
આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મળી આવેલી દીકરીને સારવાર માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જોકે, યુવતીની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી છે, જ્યાં તે હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
પોલીસે એક જ આરોપીનું નામ લખ્યું…: પીડિતાનો ભાઈ
પીડિતાના ભાઈએ આ અંગે જણાવ્યું કે, ‘કોઈનો મૃતદેહ જંગલમાં પડ્યો હોવાની મને જાણ થતાં હું ત્યાં દોડી ગયો. ત્યાં જતાં જોયું કે આ તો મારી બહેન છે, જે લોહી લુહાણ હાલતમાં અને નગ્ન હાલતમાં હતી. તે જીવિત હોવાનો ખ્યાલ પડતા જ મેં તેને પૂછ્યું કે કોણે આવું કર્યું. તો તેણે બે વ્યક્તિઓના નામ આપ્યા. ત્યારબાદ તાત્કાલિક મેં 108ને ફોન કરીને પોલીસ સ્ટેશન પણ જાણ કરી. મારી બહેનને પહેલા નસવાડીમાં પ્રાથમિક સારવાર આપી, ત્યાંથી તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. હાલ તેની સારવાર ચાલુ છે. અમને ન્યાય મળે તે માટે અમે અહીં એકઠા થયા છે. કારણ કે પોલીસ દ્વારા ફરિયાદમાં એક નામ જ લખાયું છે બીજા વ્યક્તિનું નામ લખાયું નથી. તો પોલીસ વધુ એક આરોપીનું નામ ફરિયાદમાં નોંધે તેવી અમારી માંગ છે.’
નસવાડી પોલીસ સ્ટેશને પરિવારજનો અને ગામલોકોએ પહોંચીને કર્યા સૂત્રોચ્ચાર
બીજી તરફ, આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે પરિવારજનો સહિત ગામના 50થી વધુ લોકોએ નસવાડી પોલીસ મથકે ધસી જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પીડિતાના પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ ઘટનામાં એક નહીં પરંતુ વધુ લોકો સામેલ છે અને આ ગેંગરેપનો કિસ્સો છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ માત્ર એક જ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી રહી છે, જ્યારે હકીકતમાં આ સામૂહિક દુષ્કર્મ છે.
હાલમાં નસવાડી પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને મુખ્ય આરોપી વિકેશભાઈ નારણભાઈ ભીલની ધરપકડ કરી લીધી છે. જોકે, પરિવારની માંગ છે કે આ કેસમાં ગેંગરેપની કલમો ઉમેરવામાં આવે અને તમામ સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.



