સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200% Penalty Under Income Tax Act 2025 for Fake Rent Claims

![]()
HRA Fraud Alert: નોકરિયાતો પગારમાંથી ખર્ચ તરીકે ભાડા ખર્ચને બાદ મેળવવા માટે ભાડે આપનાર સાથેનો સંબંધ જાહેર નહીં કરે અને મકાન માલિકને ચેકથી ભાડાનું પેમેન્ટ નહીં કરે, તો ભાડાની રકમ પર લાગતા ટેક્સની રકમ ઉપરાંત ટેક્સની રકમના 200 ટકા જેટલો દંડ ભરવાની નોબત આવશે. આવકવેરા ધારા 2025ના અનુસંધાનમાં જાહેર કરવામાં આવેલા નવા નિયમ હેઠળ આ દંડ લાગુ પડશે.
ઈન્કમ ટેક્સે નવા નિયમો તૈયાર કર્યા
અત્યારે બોગસ ભાડાની રસીદ બનાવીને પત્ની, માતા-પિતા કે સગા-સંબંધીઓને મકાન માલિક તરીકે બતાવીને ભાડા ખર્ચ મેળવવાનું વલણ વ્યાપક હોવાનું જોવા મળે છે. ઈન્કમ ટેક્સના નવા તૈયાર થયેલા નિયમો હેઠળ હવે ઘર ભાડા ભથ્થાના ક્લેઈમ પર વધુ બારીક નજર રાખવામાં આવશે. જો ભાડું ક્લેઈમ કરતી વખતે ભાડે જગ્યા આપનાર સાથેનો જરૂરી સંબંધ જાહેર કરવામાં નહીં આવે, તો તેને મહત્વપૂર્ણ માહિતી છુપાવવાના કારસ્તાન તરીકે જોવામાં આવશે. હાઉસ રેન્ટના ખોટા ક્લેઈમ સાથે ઈરાદાપૂર્વક માહિતી છુપાવવા બદલ આવકવેરા ધારા 2025ની કલમ 439 હેઠળ કરચોરીનો પ્રયાસ ગણી દંડ લગાડવામાં આવશે.આ પ્રયાસ કરનારે જે વેરો ભરવાનો આવશે તે વેરાની રકમ પર 200 ટકા સુધીનો દંડ લાગી શકે છે.
આવકવેરા ધારા 2025 હેઠળ તૈયાર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, જો કોઈ કર્મચારી નાણાકીય વર્ષ દરમિયાન કુલ 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવે છે, તો તેણે ફોર્મ 12BAમાં ‘લેન્ડલોર્ડ સાથેનો સંબંધ’ જાહેર કરવો પડશે. આ સાથે લેન્ડલોર્ડનું નામ, સરનામું અને PAN સહિતની વિગતો ફરજિયાત આપવી પડશે. ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે ડ્રાફ્ટ નિયમ માતા-પિતા કે જીવનસાથીને ભાડું ચૂકવવાનું પ્રતિબંધિત કરતો નથી, પરંતુ જો વ્યવસ્થા સાચી અને કાયદેસર હોય તો જ HRA ક્લેઈમ ચાલુ રાખી શકાશે.
માહિતી જાહેર ન કરો તો શું?
ભાડું ક્લેઈમ કરતી વખતે ભાડે જગ્યા આપનાર સાથેનો જરૂરી સંબંધ જાહેર ન કરવામાં આવે તો તેને મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવવાના કારસ્તાન તરીકે જોવામાં આવશે. હાઉસ રેન્ટના ખોટા ક્લેઈમ સાથે ઈરાદાપૂર્વક માહિતી છુપાવવામાં આવી હોવાનું ગણી લેવાશે. આવકવેરા ધારા 2025ની કલમ 439 હેઠળ કરચોરી કરવા પ્રયાસ ગણીને આ પ્રયાસ કરનારે જે વેરો ભરવાનો આવશે તે વેરાની રકમ પર 200 ટકા સુધી દંડ લાગી શકે છે.



