યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom vocational course

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી બીકોમ વોકેશનલ ડિગ્રી કોર્સ શરુ કરવાની યોજના બનાવી છે.જે પ્રેક્ટિકલ શિક્ષણ પર આધારિત હશે.
મળતી વિગતો પ્રમાણે પરંપરાગત બીકોમ ઓનર્સના કોર્સની સાથે સાથે કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ બીકોમ વોકેશનલ માટે દરેક યુનિટ પર ૩૦૦ બેઠકો એટલે કે ૧૨૦૦ બેઠકો પર પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહનું કહેવું છે કે, અત્યારે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર બીકોમ ઓનર્સના કોર્સમાં હાયરપેમેન્ટ ધોરણે પ્રવેશ અપાય છે.તેની જગ્યાએ બીકોમ વોકેશનલ કોર્સ શરુ કરાશે.જેમાં ૫૦ ટકા પ્રેક્ટિકલ શિક્ષણ હશે.વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ, ઓન જોબ ટ્રેનિંગ પર ભાર મૂકાશે.તેમને માર્કેટિંગ કરવાની પણ પ્રેક્ટિકલ તાલીમ અપાશે.તેમના કહેવા પ્રમાણે અત્યારે ઈન્ડસ્ટ્રીની ફરિયાદ છે કે, બીકોમ થયેલા વિદ્યાર્થીને નોકરી પર રાખવામાં આવે તો પણ તેને બે વર્ષ સુધી નોકરીના વિવિધ પાસા શીખવાડવા પડે છે.તેની જગ્યાએ બીકોમ વોકેશનલ કોર્સમાં વિદ્યાર્થીને એ રીતે તૈયાર કરવામાં આવશે કે, નોકરી પર પહેલા જ દિવસથી તે ઓફિસની જરુરિયાત પ્રમાણે કામ કરી શકે.નવા શૈક્ષણિક વર્ષ પહેલા આ કોર્સની રુપરેખા તૈયાર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
પાંચ વર્ષ પહેલા બીકોમ વોકેશનલ કોર્સ શરુ કરવાનો પ્રયાસ થયો હતો
બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરવા માટે પાંચ વર્ષ પહેલા પણ પ્રયાસ થયો હતો.તત્કાલીન ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે ૬૦ બેઠકો સાથે પાદરા કોલેજમાં આ કોર્સ શરુ કરવાની જાહેરાત કરી હતી.કોર્સ માટે એડમિશન પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.પાછળથી ઓછા એડમિશન થયા છે તેવું કારણ આપીને કોર્સ શરુ કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું.હવે પાંચ વર્ષ બાદ કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ ફરી આ પ્રકારનો કોર્સ શરુ કરવાની કવાયત શરુ કરી છે.



