પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complaint against DJ owner after special branch order

અમદાવાદ,સોમવાર
સેટેલાઇટ માણેકબાગ સોસાયટી શ્રેયસ ટેકરા પાસે રવિવારે લગ્નના વરઘોડામાં ઉંચા અવાજે ડીજે વાગતા સ્થાનિક વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. જો કે પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યા બાદ કોઇ કાર્યવાહી કરી નહોતી. જેથી ફરિયાદીએ વિશેષ શાખામાં રજૂઆત કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આદેશ આપતા સેટેલાઇટ પોલીસે અંતે ગુનો નોંધવો પડયો છે.
સેટેલાઇટ માણેકબાગ સોસાયટીમાં શ્રેયસ ટેકરા શ્યામલ ચાર રસ્તા પાસે રવિવારે રાતના સમયે એક લગ્નનો વરઘોડો પસાર થતો હતો. જેેમાં ડીજે દ્વારા ઉંચા અવાજે મ્યુઝીક વગાડવામાં આવતુ હોવાથી સ્થાનિક વ્યક્તિના વકીલે ૧૧૨ નંબર કોલ કરીને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જે અંગે પોલીસ કંટ્રોલરૂમમાંથી જાણ થતા પીસીઆર વાન આવી હતી અને સ્ટાફે પોલીસે ડી જે બંધ કરાવ્યું હતું. પરંતુ, સરકારના નિયમ મુજબ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી નહોતી. આમ, સેટેલાઇટ પોલીસની પીસીઆર વાનના સ્ટાફે બેદરકારી દાખવતા ફરિયાદીના વકીલે ડી જે ના ફોટો સહિતની વિગતો વિશેષ શાખાના અધિકારીઓને ઇ-મેઇલ કરી હતી અને ગુનો નોંધવા માટે માંગણી કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઇને વિશેષ શાખાએ સેટેલાઇટ પોલીસને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડી જે વાન જપ્ત કરીને કાર્યવાહી કરવા માટે આદેશ આપતા છેવટે સેટેલાઇટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ડી જે અને રાતના સમયે રાસ ગરબામાં ઉંચા અવાજે મ્યુઝિક વગાડવામાં આવતી હોવાની અનેક ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં આવે છે. પરંતુ, પોલીસ માત્ર ડી જે બંધ કરાવે છે અને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધતી નથી.



