गुजरात

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 11 સામે FIR | 11 Caterers Attack on Farm Owner and Staff in Sanand Party Plot



Sanand Party Plot Violence News : સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં રવિવારે(22 ફેબ્રુઆરી, 2026) બપોરે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્ન પ્રસંગના ડેકોરેશન માટે જગ્યા ખાલી કરવાનું કહેતા કેટરર્સના સ્ટાફે ઉશ્કેરાઈ જઈને ફાર્મ સંચાલક અને તેમના સાથીદારો પર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાણંદ પોલીસે 11 જેટલાં શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

શું હતી ઘટના?

સાણંદમાં રહેતા અને ‘કે.ડી. ફાર્મ’ના સંચાલક નિખિલભાઈ ભરતભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 22 ફેબ્રુઆરીના રોજ તેમના ફાર્મ પર લગ્ન પ્રસંગ હોવાથી પાર્ટી પ્લોટ ભાડે આપ્યો હતો. ડેકોરેશનની કામગીરી તેમની ટીમ કરી રહી હતી, જ્યારે કેટરિંગનો કોન્ટ્રાક્ટ અમદાવાદના ‘કિશન કેટરર્સ’ને આપવામાં આવ્યો હતો.

સફાઈ બાબતે થઈ તકરાર

બપોરે 3:15 વાગ્યાની આસપાસ કેટરિંગના વેઈટર્સ અને સ્ટાફ વરરાજાના રૂમ અને બગીચાના વિસ્તારમાં આરામ કરી રહ્યા હતા. ડેકોરેશન અને સફાઈ કામગીરી કરવાની હોવાથી નિખિલભાઈએ તેમને અન્ય જગ્યાએ બેસવા વિનંતી કરી હતી. આ બાબતે બંને પક્ષો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. થોડી વાર બાદ કેટરિંગના 8 થી 10 વ્યક્તિનું ટોળું આવ્યું અને “અમારા માણસોને કેમ ખલેલ પહોંચાડી?” તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા.

છરીના ઘા ઝીંકી પાઈપથી હુમલો કર્યો

ઝઘડો ઉગ્ર બનતા આરોપીઓએ આયોજનબદ્ધ રીતે હુમલો શરૂ કર્યો હતો. જેમાં માજિદ નાઝીમ ખાન નામના શખસે છરી વડે નિખિલભાઈના ગળા અને ખભાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. જ્યારે અન્ય આરોપી સાહિલ બશીર ઋષિએ કરણભાઈ પટેલના માથાના પાછળના ભાગે લોખંડનો પાઈપ ફટકાર્યો હતો. મોહમ્મદ સલીમ મોહમ્મદ યુસુફે શૈલેષભાઈ દેવરા પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સ્થળ પર આતંક મચાવ્યો હતો.

ઈજાગ્રસ્તોને ટાંકા આવ્યા

લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નિખિલભાઈને ગળા અને ખભા પર 3-3 ટાંકા, કરણભાઈને માથામાં 9 ટાંકા અને શૈલેષભાઈને માથામાં 6 ટાંકા લેવા પડ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢની કોર્ટમાં રડવા લાગી હતી કીર્તિ પટેલ, એક કેસમાં જામીન, અન્ય 2 ગુનાને લઈને કાર્યવાહી શરૂ

11 શખસો સામે ગુનો નોંધાયો

સાણંદ પોલીસે આ મામલે માજિદ નાઝીમ ખાન, સાહિલ બશીર ઋષિ, મોહમ્મદ સલીમ ભટ્ટ સહિત 11 શખસો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગંભીર ઈજા પહોંચાડવી અને ગેરકાયદે મંડળી રચવા બદલ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા તમામ શખસો જમ્મુ-કાશ્મીરના વતની છે. હાલમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. 



Source link

Related Articles

Back to top button