માવઠાની આગાહી વચ્ચે છોટા ઉદેપુરમાં જિન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી ઢાંક્યા | Chhota Udepur Ginners Cover Cotton Stocks Amid Unseasonal Rain Alert

Ginning Mills In Chhota Udepur: રાજ્યમાં બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે છોટા ઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર અને જિન માલિકો એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં બે વાર પડેલા માવઠા બાદ, હવે વધુ નુકસાન ન થાય તે માટે સીસીઆઈના અધિકારીઓ અને જિન માલિકોએ કરોડો રૂપિયાના મુદ્દામાલને બચાવવા દોડધામ શરૂ કરી છે.
34 જિનોમાં સુરક્ષા કવચ
છોટા ઉદેપુર જિલ્લામાં કપાસ ખરીદવાની અંદાજે 34 જેટલી જિન આવેલી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા અહીં મોટા પાયે કપાસની ખરીદી કરવામાં આવી છે. હાલમાં જિનિંગ પ્રક્રિયા બાદ તૈયાર થયેલી રૂની ગાંસડીઓ અને કપાસિયાના વિશાળ ઢગલાઓ ખુલ્લામાં ખડકાયેલા છે. વરસાદી આફતથી બચવા માટે જિન માલિકોએ મોટી સંખ્યામાં તાડપત્રીઓ મંગાવી રૂની ગાંસડીઓને સુરક્ષિત કરી છે. કપાસિયાના ઢગલાઓ પર પણ પ્લાસ્ટિક અને તાડપત્રીનું આવરણ ચડાવી દેવામાં આવ્યું છે.

વધુ વરસાદ પડે તો નુકસાનની ભીતિ
ભલે તકેદારીના ભાગરૂપે માલ ઢાંકી દેવામાં આવ્યો છે, પરંતુ સીસીઆઈના અધિકારીઓ અને જિન માલિકોમાં ચિંતાનો માહોલ છે. જો વરસાદનું જોર વધે અને પાણી જિનિંગ એરિયામાં ભરાય, તો રૂની ગુણવત્તા બગડવાની અને કપાસિયામાં ભેજ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. આ સંજોગોમાં આર્થિક નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે.
માત્ર વેપારીઓ જ નહીં, પણ જિલ્લાના ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ચિંતિત છે. ચાર દિવસમાં બે વાર પડેલા વરસાદે તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું છે. જો હજુ પણ વરસાદી માહોલ જારી રહેશે, તો ખેતીમાં પણ મોટી પાયમાલી થવાની ભીતિ જગતનો તાત સેવી રહ્યો છે.


