ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gujarat Police Promotions Stalled as Posting Delays Hit 10 IPS 240 PIs

![]()
Gujarat Police Promotions: ગુજરાત પોલીસ પહેલાં હર્ષ પછી દુઃખની અવસ્થામાંથી પસાર થઈ રહી છે. IPS અને PI કેડરમાં પ્રમોશન આપી દેવાયા પછી મહિનાઓથી પોસ્ટિંગ નહીં અપાતાં હર્ષ પછી દુઃખની સ્થિતિ સર્જાઈ છે. ચર્ચા તો એવી છે કે, નિર્ણયશક્તિના અભાવનું નુકસાન પોલીસ ભોગવી રહી છે. ગાંધીનગર, ભાવનગર, જામનગર અને મહેસાણા-કલોલને પોલીસ કમિશનરેટ બનાવવા અને કચ્છ-બનાસકાંઠા બોર્ડર રેન્જનું વિભાજન કરવાના મુદ્દે કોકડું ગુંચવાયું છે. હવે, ગુજરાત દિવસે ગિફ્ટ આપી ગૂંચવાડો દૂર કરાશે તેવી ચર્ચા છે.
નિર્ણયશક્તિના અભાવનું નુકસાન પોલીસ ભોગવે છે
ગુજરાતમાં 12 આઈપીએસ મહિના વિતી ગયાં પછી પણ પોસ્ટિંગની રાહ જૂએ છે. ડીજીપી અને એસપી રેન્કના એક-એક ઉપરાંત 10 આઈપીએસને એસ.પી.માંથી ડીઆઈજી રેન્કમાં પ્રમોશન આપી દીધા પછી છ-છ મહિના વિતવા છતાં પોસ્ટિંગ અપાયાં નથી. હવે, આઈપીએસ લોબીમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, 10 આઈપીએસને પ્રમોશન પછી છ મહિનાથી પગાર મળ્યો નથી. પગાર કયા હેડમાંથી કરવો તેની અસમંજસના કારણે 10 આઈપીએસને જ્યારે પોસ્ટિંગ અપાશે તે પછી જેટલા મહિનાનો બાકી હશે તે પગાર અપાશે.
ચાલુ નાણાંકીય વર્ષે પોસ્ટિંગ નહીં થાય તે લગભગ નિશ્ચિત છે એટલે આગામી નાણાંકીય વર્ષમાં આઠ-નવ મહિનાનો પગાર જમા થશે, ત્યારે આ દસ આઈપીએસ અધિકારીઓએ ખૂબ જ વધારે ટેક્સ ભરવાનો વખત આવશે. 10 આઈપીએસને લાખો રૂપિયાનો ટેક્સ વધારે ભરવો પડશે. બીજી તરફ, છ મહિનાથી નોકરી છે છતાં રજા જેવી મજા છે. પણ, પોસ્ટ ન હોવાથી પોતાના વતન જાય તો ક્યા હોદ્દા ઉપર નોકરી કરો છો તેનો જવાબ આપવો મુશ્કેલ પડી રહ્યો છે. કંઈક આવી જ હાલત 240 પી.આઈ.ની છે. પી.એસ.આઈ.માંથી પી.આઈ. બનેલાં 240 અધિકારીઓ હાલ જુની જગ્યાએ જ ફરજ બજાવે છે. પીઆઈ તરીકે પ્રમોશન મળ્યાં તેને 11 મહિના વિતી ગયા છતાં પીએસઆઈનો પગાર મેળવતા 240 અધિકારીઓની હાલત પણ આઈપીએસ જેવી જ થવાની છે.
રાજ્યના 250 પોલીસ અધિકારી પ્રમોશન પછી પોસ્ટિંગ વગરના હોવા પાછળનું કારણ નિર્ણયશક્તિનો અભાવે ગણાવાઈ રહ્યો છે. ચર્ચા છે કે, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને મહેસાણા- કલોલને પોલીસ કમિશનરેટમાં પરવર્તિત કરવાના છે. જ્યારે, બોર્ડર રેન્જ એટલે કે કચ્છ – બનાસકાંઠા રેન્જ આઈજીપીનું વિકેન્દ્રીકરણ કરવાનું છે. કચ્છ-મોરબી રેન્જ ઉપરાંત બનાસકાંઠા અલગ રેન્જ બનાવી બે આઈજીપી રેન્જ બનાવવાની છે.
આમ, ચાર કમિશનર અને બે આઈજીપી મળી છ જગ્યાઓ માટે મુકવા 10 ડીઆઈજીને અનામત રખાયાં છે. અમદાવાદ રેન્જ આઈજી ઉપરાંત સીઆઈડી અને આઈ.બી.માં ડીઆઈજીની પાંચ જગ્યાઓ ખાલી છે. પણ, નિર્ણયશક્તિના અભાવના કારણે પ્રમોશન મેળવી હર્ષ અનુભવી ચૂકેલાં ગુજરાતના 250 પોલીસ અધિકારીઓ અત્યારે દુઃખના દિવસો પસાર કરી રહ્યાં છે.


