ટ્રમ્પના રિસોર્ટમાં બંદુક સાથે ઘૂસેલા યુવકને સુરક્ષા ગાર્ડે ઠાર માર્યો | Security guard shoots dead young man who entered Trump’s resort with gun

![]()
ફ્લોરિડાના પ્રખ્યાત પાલમ બીચની ઘટના
ઘટના સમયે ટ્રમ્પ કે પરિવારનું કોઇ પણ રિસોર્ટમાં હાજર નહોતું, યુવકની તમામ વિગતો મેળવવા તપાસ શરૂ
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા એક બંદુકધારીને ઠાર મારવામાં આવ્યો હતો. આ ઘટના સમયે ટ્રમ્પ રિસોર્ટમાં નહોતા જ્યારે તેમના પરિવારના કોઇ વ્યક્તિ પણ હાજર નહોતા. માર્યો ગયેલો યુવક ક્યા ઇરાદાથી ટ્રમ્પની પ્રોપર્ટીમાં ઘૂસ્યો હતો તેની તપાસ કરાઇ રહી છે.
અમેરિકાના ફ્લોરિડાના પ્રખ્યાત પાલમ બીચ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અંગત ઉપયોગ માટેનું રિસોર્ટ આવેલું છે. માર-એ-લાગો નામના આ રિસોર્ટમાં ટ્રમ્પ સપ્તાહમાં એક વખત અથવા ૧૫ દિવસે કે મહિને આરામ કરવા માટે જતા હોય છે. આ રિસોર્ટની ફરતે ટ્રમ્પ અને તેના પરિવારની સુરક્ષા માટે અનેક સૈનિકો તૈનાત કરાયેલા છે. આ સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસની છે.
આ સમગ્ર ઘટનાની જાણકારી આપતા પાલમ બીચના શેરીફ રિક બ્રેડશોએ કહ્યું હતું કે અમેરિકી સમય પ્રમાણે રવિવારે ૧.૩૦ કલાકે મોડી રાત્રે એક અજાણ્યો યુવક રિસોર્ટમાં ઘૂસી આવ્યો હતો, તેના હાથમાં ઇંધણનું એક કેન હતું અને બીજા હાથમાં ગન હતી. સુરક્ષા ગાર્ડે આ યુવકને પ્રવેશતા રોક્યો હતો અને તેના હાથમાં જે પણ કઇ હતું તેને નીચે મુકી દેવા ચેતવણી આપી હતી, યુવકે માત્ર કેન નીચે મુક્યું હતું અને બાદમાં હાથમાં જે બંદુક હતી તેને સુરક્ષા ગાર્ડ તરફ કરી હતી. બાદમાં સુરક્ષા ગાર્ડ્સ દ્વારા યુવક પર ગોળીબાર કરાતા તેનું મોત નિપજ્યું હતું. આ યુવક કોણ છે અને તે કેમ ટ્રમ્પના રિસોર્ટમાં ગન સાથે ઘૂસ્યો હતો તેની વિગતો અમેરિકન એજન્સીઓએ જાહેર નથી કરી, જોકે પોલીસના જણાવ્યા મુજબ તમામ એંગલથી તપાસ કરાઇ રહી છે.



