૧૫ વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused who abducted and raped 15 year old girl gets 20 years rigorous imprisonment

![]()
વડોદરા : ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ તેની સાથે વારંવાર
દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી
અદાલતે પોક્સો સહિતની કલમ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે
પીડિતાને વળતર પેટે રૃા.૬ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ફરિયાદીની સગીર
પુત્રીને આરોપી મનોજ ઉર્ફે ઠાકોર શંકરભાઈ વાદી (રહે.ગામડી,તા.આણંદ)
પાણી પીવડાવવાના બહાને ગોલ્ડન ચોકડી પાસેથી લઈ ગયો હતો. આરોપીએ સગીરાને મોરબી અને
આણંદના ગામડી ખાતે ગોંધી રાખી તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા
હતા, જેના કારણે સગીરાને ૨૫ અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો.
આ મામલે સગીરાની માતાએ ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ હરણી પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી
મનોજ વાદી અને તેને મદદગારી કરનાર રેખાબેન વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો
દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા કેસમાં ૯ સાક્ષી
અને ૫૧ પુરાવાઓને ચકાસવામાં આવ્યા હતા.કેસની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી
કે, બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો.
જ્યારે સરકારી વકીલ એચ. આર. જોષીએ રજૂઆત કરી હતી કે, ભોગ
બનનાર સગીર વયની હોવાથી તેની સંમતિ કાયદેસર રીતે માન્ય નથી. કોર્ટે ડીએનએ રિપોર્ટ
અને મેડિકલ પુરાવાઓને ધ્યાને લઈ નોંધ્યું હતું કે આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી
તેને ગર્ભવતી બનાવી છે, જે સમાજ સામેનો ગંભીર અપરાધ
છે.ન્યાયાધીશે આરોપી મનોજ ઉર્ફે ઠાકોર વાદીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની
સજા ફટકારી છે. જ્યારે પુરાવાના અભાવે મહિલા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ
કર્યો હતો.


