राष्ट्रीय

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram crime news tripura girl attacked by partner shivam



Gurugram Police : ગુરુગ્રામમાં એક યુવક ત્રિપુરાની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે તે અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો. પરંતુ ગત દિવસોમાં તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને યુવતીને એટલી હદે મારી કે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હવે આ સમગ્ર મામલે 19 વર્ષીય પીડિતાનું નિવેદન સામે આવ્યું છે.

પ્રાઇવેટ પાર્ટ પર સેનિટાઇઝર છાંટી આગ લગાવી

યુવતીએ ગુરુગ્રામ પોલીસને જણાવ્યું કે તેના પાર્ટનરે તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર સેનિટાઈઝર છાંટીને આગ લગાડી દીધી હતી. યુવતીએ આગળ દાવો કર્યો કે, તેના પાર્ટનરે તેના માથા પર મેટલની બોટલ મારી અને પછી તેને દરવાજા તથા કબાટ પર પછાડી હતી. યુવતીના જણાવ્યા અનુસાર, તે અને શિવમ (આરોપી) સપ્ટેમ્બર 2025માં એક ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. જેના થોડા મહિનાઓ પછી તેઓ સાથે રહેવા લાગ્યા હતા.

સતત 3 દિવસ સુધી મારપીટ

યુવતીએ દાવો કર્યો કે, તેના પાર્ટનરે માત્ર તેની સાથે મારપીટ જ નહોતી કરી પરંતુ તેના પર ચાકુથી પણ હુમલો કર્યો હતો. આ મારપીટ સતત 3 દિવસ સુધી ચાલી હતી. આરોપીએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે ગુરુગ્રામ પોલીસે કલમ 115(2): સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, 118(1): ખતરનાક હથિયારોથી સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી, 127(2): ખોટી રીતે અટકાયત કરવી અને 69: સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ (છેતરપિંડી દ્વારા) હેઠળ FIR નોંધી છે.

આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે

ગુરુગ્રામ પોલીસે આરોપી શિવમની ધરપકડ કરી લીધી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલમાં યુવતીની હાલત હજુ પણ ગંભીર છે અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

પીડિતાની માતાએ જણાવ્યું કે, “મારી દીકરીએ મને ફોન કર્યો અને મારપીટથી બચાવવા માટે વિનંતી કરી હતી.” માતાની માંગ છે કે, આરોપી શિવમ વિરુદ્ધ રેપ અને હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવે. માતાનું કહેવું છે કે તેમને ખબર નહોતી કે તેમની દીકરી ગુરુગ્રામમાં શિવમ સાથે રહી રહી છે.

બીએસસી બાયોટેકની વિદ્યાર્થીની છે યુવતી

FIR મુજબ, પીડિતા મૂળ ત્રિપુરાની વતની છે અને ગુરુગ્રામના સેક્ટર-69માં એક PGમાં રહીને BSC બાયોટેકનો અભ્યાસ કરી રહી હતી. તેની મુલાકાત દિલ્હીના નરેલાના રહેવાસી શિવમ નામના યુવક સાથે એક ઓનલાઇન એપ દ્વારા થઈ હતી. બંને વચ્ચે સપ્ટેમ્બર 2025 થી વાતચીત શરૂ થઈ અને બાદમાં તેઓ મળવા લાગ્યા હતા.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો રહ્યો

પીડિતાનો આરોપ છે કે, આરોપીએ લગ્નનું બહાનું આપીને તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી બંને થોડો સમય ગુરુગ્રામમાં સાથે રહ્યા હતા. આ દરમિયાન આરોપી તેના પર શંકા કરવા લાગ્યો અને મારપીટ શરૂ કરી. FIRમાં નોંધાયેલા નિવેદન મુજબ, 16 ફેબ્રુઆરી 2026ના રોજ આરોપીએ પીડિતા સાથે અત્યંત નિર્દયતાથી મારપીટ કરી હતી. આરોપ છે કે, તેણે સ્ટીલની બોટલથી માથા પર હુમલો કર્યો, માથું દીવાલ અને ફર્નિચર સાથે અથડાવ્યું, માટીના વાસણથી પ્રહાર કર્યો અને તેના પ્રાઇવેટ પાર્ટ પર સેનિટાઈઝર નાખીને આગ પણ લગાડી દીધી હતી.

માતાએ પોલીસને કોલ કર્યો ત્યારે જીવ બચ્યો

એટલું જ નહીં, આરોપીએ ચાકુથી તેના પગ પર પણ ઘા કર્યા અને ધમકી આપી કે તે તેને એટલી મારશે કે તે ક્યારેય ચાલી શકશે નહીં અને ક્યારેય માતા પણ બની શકશે નહીં. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આરોપીએ તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા. 18 ફેબ્રુઆરીની રાત્રે પીડિતાએ આરોપીના ફોનથી તેની માતાને બંગાળી ભાષામાં સમગ્ર વાત જણાવી, કારણ કે આરોપીને બંગાળી આવડતી નહોતી. ત્યારબાદ તેની માતાએ 112 નંબર પર કોલ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને સેક્ટર-10ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી.

નિવેદન આપવા પણ અસમર્થ

શરૂઆતમાં ડોક્ટરોએ તેને નિવેદન આપવા માટે અસમર્થ (Unfit) જાહેર કરી હતી અને બાદમાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેને નિવેદન માટે ફિટ જાહેર કરી, ત્યારબાદ પોલીસે તેનું વિગતવાર નિવેદન નોંધ્યું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 118(1), 118(2), 127(2), 69 અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button