ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congress: Sachin Pilot Likely to Get Command

![]()
Buzz in Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ઘણાં વર્ષોથી સત્તાથી દૂર ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા હાઇકમાન્ડે દિલ્હીમાં કવાયત હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાત કોંગ્રેસની કમાન યુવા નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને સોંપાઇ શકે છે.
ભાજપ સામે આક્રમક રીતે લડવા યુવા નેતાને જવાબદારી આપી શકે છે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીને દિલ્હીનું તેડુ આવ્યુ છે. ત્યારે છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવા નક્કી કરાયુ છે.
અગાઉ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયાં હતાં તે વખતે તેઓ ગુજરાતમાં 70થી વધુ બેઠકો જીતવામાં સફળ થયા હતાં. વર્ષ 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તાના સિંહાસન મેળવ્યુ હતું, જેમાં સચિન પાયલોટની મુખ્ય ભૂમિકા રહી હતી. યુવા નેતા પાયલોટ રાહુલ ગાંધીના વિશ્વાસુ રહ્યાં છે, જેના પગલે તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવાય તેમ છે. દિલ્હીથી ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત થાય તેવી ચર્ચા છે. હાઇકમાન્ડે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખને છૂટો દોર અપાશે, જ્યારે લંગડા ઘોડા સમાન પ્રદેશ નેતાઓને સાઇડલાઇન કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત જિલ્લા-શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી અપાશે. દરેક જિલ્લામાં પ્રભારી નિમવા પણ નક્કી કરાયુ છે.



