ચંદ્રની સપાટી પર હજારો તિરાડોને કારણે ભવિષ્યના મિશન જોખમી, નાસાએ ઉચ્ચારી ચેતવણી | Thousands of cracks on the surface of the moon dangerous for future missions: NASA

![]()
– અબજો વર્ષમાં આંતરિક ભાગ ઠંડો પડતા અસર
– તિરાડોથી મૂનક્વેક્સની સંભાવના વધે છે : એપોલો પ્રોગ્રામ વખતના સિસ્મોમીટર્સે મૂનક્વેક્સ નોંધ્યા હતા
Moon and NASA News : ચંદ્ર ધીમે ધીમે સંકોચાઈ રહ્યો છે. આ પ્રક્રિયાના કારણે તેની સપાટી પર હજારો તિરાડો અને ઊંચા શિખરો બન્યા છે. વૈજ્ઞાાનિકોના મતે, આ શોધ ભવિષ્યના ચંદ્ર મિશનોને અસર કરી શકે છે. નાસાના એલઆરઓ દ્વારા મેળવેલા ડેટા અનુસાર, અબજો વર્ષમાં ચંદ્રનો આંતરિક ભાગ ઠંડો પડયો છે. તેના પરિણામે તેનું સંકોચન થયું છે, બહારની સપાટી વળી ગઈ છે અને લાંબી ખીણ જેવી તિરાડો બની છે. જેને ‘લોબેટ સ્ક્રેપ્સ’ કહેવામાં આવે છે.
ચંદ્રના નજીકના ભાગમાં 1000થી વધુ ‘થ્રસ્ટ ફોલ્ટ્સ’ મળ્યા છે. જે સૂચવે છે કે, પૃથ્વીની જેમ ચંદ્રની પ્લેટ ટેક્ટોનિક્સ ન હોવા છતાં તે હજુ ભૌગોલિક રીતે સક્રિય છે. વૈજ્ઞાાનિકોએ તેની સરખામણી દ્રાક્ષ સુકાઈને કિસમિસ બનવા સાથે કરી છે. જ્યારે, અંદરનો ભાગ સંકોચાય ત્યારે બહારની સપાટી પર તેની અસર જોવા મળે છે અને તિરાડો પડે છે.
અભ્યાસમાં જણાવાયું છે કે, જેમ ધરતી પર ધરતીકંપ (અર્થક્વેક્સ) જોવા મળે છે, તેમ આ તિરાડોને કારણે ‘મૂનક્વેક્સ’ એટલે કે, ચંદ્રકંપ થઈ શકે છે. જે કેટલાક કલાકો સુધી ચાલી શકે છે. એપોલો પ્રોગ્રામ દરમિયાન લગાવવામાં આવેલા સિસ્મોમીટર્સે અગાઉ મૂનક્વેક્સ નોંધ્યા હતા. જે સપાટીને હચમચાવી નાખે તેટલા મજબૂત હતા.
વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે, કેટલીક તિરાડો ચંદ્રના દક્ષિણ ધુ્રવ વિસ્તારમાં પણ છે. જે ભવિષ્યના ચંદ્ર મિશન માટે જોખમી સાબિત થઈ શકે છે. એક અંદાજ મુજબ, છેલ્લા કેટલાક કરોડ વર્ષમાં ચંદ્રની પરિધિ લગભગ 150-200 ફૂટ જેટલી ઘટી છે. આ પ્રક્રિયા ઘણી ધીમી છે. પરંતુ, તેની ભૌગોલિક અસર હજુ પણ ચાલુ છે.



