RTOમાં લાયસન્સ માટે જતા ૧૮ વર્ષના વિદ્યાર્થીનું મોત | 18 year old student dies while going to RTO for license

![]()
વડોદરા,આર.ટી.ઓ.માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગયેલા ૧૮ વર્ષના વિદ્યાર્થીનું ટુ વ્હિલર હાઇવે પર ઊભેલા ટ્રેલરમાં પાછળથી ઘુસી જતા તેનું મોત થયું હતું.
છાણી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષનો મહાવીરસિંહ હિતેન્દ્રસિંહ વીરપરા આઇ.ટી.આઇ.માં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો હતો. આજે સવારે તેના મિત્ર યુવરાજ વિનલકુમાર ઠાકોર સાથે ટુ વ્હિલર લઇને દરજીપુરા આર.ટી.ઓ. માં લાયસન્સ માટે ગયો હતો. કચેરી ગયા પછી તેને યાદ આવ્યું કે, આધાર કાર્ડ ભૂલી ગયો છું. જેથી, તે આજવારોડ પર ક્રિષ્ના હોલમાં નોકરી કરતા દાદાની પાસે કાર્ડ લેવા જતો હતો. દરજીપુરાથી આજવા ચોકડી વચ્ચે રોડ પર બ્રેકડાઉન થઇને ઊભેલા ટ્રેલરમાં તે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. બંને મિત્રો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. મહાવીરસિંહને માથામાં ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે યુવરાજને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની સાવચેતી કે આડશ રાખ્યા વગર રોડ વચ્ચે ઊભા રહેલા ટ્રેલરના ડ્રાઇવરની સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

