ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo vadodara from schools before gujarat board exam

![]()
વડોદરાઃ વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડા તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પૂર્વે ચિંતાનો વિષય બન્યા છે.કારણકે રસ્તાઓ પર ચાલી રહેલી કામગીરીથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને તેના કારણે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે તંત્ર મથામણ કરી રહ્યું છે.
ડીઈઓ કચેરી દ્વારા બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ધરાવતી તમામ સ્કૂલોના સંચાલકો પાસે તેમની સ્કૂલની આસપાસ ખોદકામ થયું હોય તો તેની જાણકારી વોટસએપ ગુ્રપમાં માગવામાં આવી છે.ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેનું કહેવું છે કે, બોર્ડ પરીક્ષા માટે અમે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘરેથી વહેલા નીકળવા તો અપીલ કરેલી જ છે.તેની સાથે સ્કૂલોને પણ આસપાસમાં કોઈ જગ્યાએ ખોદકામના કારણે ટ્રાફિક જામ થવાની શક્યતા હોય તો તેની માહિતી પૂરી પાડવા માટે જણાવાયું છે.આ જાણકારી અમે પોલીસ તંત્રને આપીશું અને આવી જગ્યાએ ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે અને ટ્રાફિક જામ ના થાય તે જોવા માટે અપીલ કરીશું.પોલીસ તંત્રના અધિકારીઓ જોકે પહેલેથી જ આ બાબત પર ધ્યાન આપી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, તેની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરવાની પણ કવાયત કરાઈ રહી છે.જેને સ્કેન કરવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રનું લોકેશન મેળવી શકશે.

