Expaliner: ટ્રમ્પ 150 દિવસ જ 10% ટેરિફ વસૂલી શકે, અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમેરિકા પાસે શું વિકલ્પ છે, જાણો સરળ શબ્દોમાં | Trump can impose 10 percent tariff for only 150 days US Supreme Court Trump tariff option

![]()
Trump Tariff Option: અમેરિકાને મહાન બનાવવા નીકળેલા અને એ માટે દુનિયાના વિવિધ દેશો પર મનફાવે એટલો ટેરિફ ઝીંકવામાં પડેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગે એવું પગલું અમેરિકાની સુપ્રીમ કોર્ટે ભર્યું છે. સુપ્રીમ કોર્ટે આડેધડ લાગુ કરાયેલા ટેરિફને ગેરકાયદે ઠેરવીને રદ કરી દીધો છે. જેને લીધે હવે ટ્રમ્પે વૈશ્વિક સ્તરે 10% ગ્લોબલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી કાનૂની જોગવાઈનો ઉપયોગ કરીને લાગુ કરાયેલા આ ટેરિફ ફક્ત 150 દિવસ માટે જ અમલમાં રહેશે. ત્યારબાદ તેને ચાલુ રાખવા અથવા વધારવા માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી રહેશે.
150 દિવસની મર્યાદા કેમ?
ટેરિફ લાદવા માટે ટ્રમ્પે જે કાનૂની જોગવાઈનો ઉપયોગ કર્યો છે, જે મુજબ ટેરિફ તાત્કાલિક લાગુ કરી શકાય છે, પરંતુ એમાં નીચે મુજબના નિયમો છે.
– તે માત્ર 150 દિવસ સુધી માન્ય રહે છે.
– સમયમર્યાદા પૂરી થયા પછી કોંગ્રેસની મંજૂરી ફરજિયાત હોય છે.
– મંજૂરી ન મળે તો ટેરિફ આપમેળે સમાપ્ત થઈ જાય છે.
આમ, અમેરિકાના પ્રમુખ ટેરિફ લાદવાનું પગલું લઈ તો શકે, પરંતુ આ મુદ્દે લાંબા ગાળાનો નિર્ણય લેવા માટે લોકશાહી પ્રક્રિયા અનુસરવી પડે છે.
કલમ 122 ‘તાત્કાલિક ટેરિફ સત્તા’ આપે છે
કલમ 122 (Section 122) 1974 ના યુએસ ટ્રેડ એક્ટ પ્રમાણે, જો અમેરિકાને ગંભીર balance-of-payments સંકટનો સામનો કરવો પડે તો…
– અમેરિકન પ્રમુખ મહત્તમ 15% સુધી ટેરિફ લગાવી શકે.
– કોઈ વિશેષ તપાસ અથવા લાંબી કાનૂની પ્રક્રિયા જરૂરી નથી.
– પગલું ઝડપથી લઈ શકાય છે.
જો કે Section 122ની મર્યાદા પણ છે, જે પ્રમાણે…
– ટેરિફ માત્ર 150 દિવસ સુધી અમલમાં રહે.
– આગળ વધારવા કોંગ્રેસની મંજૂરી જરૂરી.
અમેરિકાના ઇતિહાસમાં આ જોગવાઈનો ભાગ્યે જ ઉપયોગ થયો છે, એટલે તેનો ઉપયોગ અસામાન્ય ગણાય છે.
‘અન્યાયી વેપાર સામે બદલો’ લેવાની છૂટ આપતી ‘કલમ 301’
‘કલમ 301’ (Section 301) પણ 1974 ના ટ્રેડ એક્ટનો ભાગ છે, જેનો ઉપયોગ નીચે મુજબના સંજોગોમાં થાય છે.
– જ્યારે કોઈ દેશ અમેરિકન વેપાર સામે અન્યાયી નીતિઓ અપનાવે.
– બજાર પ્રવેશમાં અવરોધ ઊભા કરે.
– અમેરિકાના બૌદ્ધિક સંપત્તિ હક્કોનું ઉલ્લંઘન કરે.
જો આવું કંઈ પણ થાય તો યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ તપાસ શરૂ કરીને પછી પ્રતિશોધાત્મક ટેરિફ લગાડી શકે છે તથા વેપાર પ્રતિબંધો લાગુ થઈ શકે છે. વિશ્વના અમુક-તમુક દેશો પર ટેરિફ લગાડવા માટે આ વિકલ્પ ટ્રમ્પ માટે ખુલ્લો છે.
ઉદાહરણ તરીકે, ભારતના Digital Services Tax અંગે 2021 પહેલા વિવાદ ઊભો થયો હતો, જે બાદમાં કરાર કરીને ઉકેલાયો હતો.
‘રાષ્ટ્રીય સુરક્ષા આધારિત ટેરિફ’ ની છૂટ આપતી ‘કલમ 232’
કલમ 232 (Section 232) 1962 ના Trade Expansion Actનો ભાગ છે. તેનો ઉપયોગ નીચે મુજબની સ્થિતિઓમાં થાય છે.
– જો આયાત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બને.
– જો આયાત અમેરિકાના સ્થાનિક ઉદ્યોગને ગંભીર નુકસાન કરે.
આમ થાય તો વાણિજ્ય સચિવની ભલામણ બાદ ટેરિફ લાગુ થઈ શકે.
અગાઉ ટ્રમ્પ કલમ 232 નો ઉપયોગ કરી ચૂક્યા છે
કલમ 232નો ઉપયોગ કરીને ટ્રમ્પે અગાઉ સ્ટીલ, એલ્યુમિનિયમ અને કેટલાક ઓટો પાર્ટ્સ પર ટેરિફ લગાવ્યા હતા, જેને લીધે ભારત સહિત અનેક દેશો પ્રભાવિત થયા હતા. તાજેતરમાં યુએસ-ભારત વેપાર સમજૂતી પછી આમાંના કેટલાક ટેરિફ દૂર થયા છે અને ઓટો પાર્ટ્સ પર રાહત ક્વોટા (મર્યાદિત છૂટછાટ) અપાયા છે.
ટ્રમ્પની વ્યૂહરચના બદલાશે?
ટ્રમ્પની વ્યૂહરચના ટેરિફ દ્વારા દબાણ જાળવી રાખવાની છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે…
– તેઓ વેપાર દબાણ ચાલુ રાખવા માંગે છે.
– એ માટે તેઓ અલગ અલગ કાનૂની માર્ગોનો ઉપયોગ કરશે.
– ટેરિફનો ઉપયોગ રાજકીય અને વાણિજ્યિક હથિયાર તરીકે જારી રહેશે.
ટેરિફની વૈશ્વિક અસરો પણ વ્યાપક હશે
– વેપાર યુદ્ધની શક્યતા વધશે.
– સપ્લાય ચેઇનમાં અનિશ્ચિતતા આવશે.
– આયાત ખર્ચમાં વધારો થશે.
ભારત પર સંભવિત અસર
– સ્ટીલ અને ઓટો ઉદ્યોગ પર અસર થશે.
– નિકાસ ખર્ચ વધવાની શક્યતા છે.
– વેપાર વાટાઘાટોમાં દબાણ આવશે.
– ભારતે વૈકલ્પિક બજારો વિકસાવવા પડશે.



