‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્રથમ નિવેદન | mm naravane book controversy defence minister rajnath singh first reaction

![]()
Naravane Book Controversy: પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેના પુસ્તક પર થઈ રહેલા વિવાદ પર પહેલી વખત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પૂર્વ સેના પ્રમુખોને પુસ્તક લખવા પર કોઈ રોક લાગશે નહીં, સંરક્ષણ મંત્રીએ એ સમાચારોને ખોટા ગણાવ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેનાથી જોડાયેલા અધિકારીઓને નિવૃત્તિના 20 વર્ષ સુધી કોઈ પુસ્તક લખવાની મંજૂરી નહીં મળે.
કાયદાકીય ગૂંચ અને પ્રકાશનની ઉતાવળ
નિયમ મુજબ, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પુસ્તક લખી શકે છે, પરંતુ ‘ઓફિશિયલ સિક્રેટ ઍક્ટ’ હેઠળ તેઓ સંવેદનશીલ માહિતી શેર કરી શકતા નથી. આથી પ્રકાશન પહેલા સંરક્ષણ મંત્રાલયની મંજૂરી લેવી અનિવાર્ય છે. અહેવાલો મુજબ, પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા આ પુસ્તકની કેટલીક નકલો 2024માં જ દિલ્હીની દુકાનોમાં પહોંચી ગઈ હતી, પરંતુ વિવાદ વધતાં તેને પરત ખેંચી લેવાઈ હતી. ત્યારે સવાલ ઉઠ્યો હતો કે શું પ્રકાશકે મંજૂરી પહેલા જ પ્રિન્ટિંગ કરી દીધું હતું?
પુસ્તકમાં એવું તો શું છે કે જે વિવાદનું કારણ બન્યું?
આ પુસ્તક જનરલ નરવણેની ચાર દાયકાની સૈન્ય કારકિર્દી પર આધારિત છે, જેમાં ખાસ કરીને ચીન સાથેના સરહદી સંઘર્ષ (LAC) અને સરકારની ‘અગ્નિપથ યોજના’ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના મંતવ્યો હોવાનું માનવામાં આવે છે. વિપક્ષનો દાવો છે કે આ વિષયો અત્યંત સંવેદનશીલ હોવાથી જ સરકાર આ પુસ્તકની સમીક્ષા અટકાવી રહી છે. સંરક્ષણ મંત્રાલયે 2020થી 2024 વચ્ચે 35 પુસ્તકોને મંજૂરી આપી છે, પરંતુ આ પુસ્તક હજુ પણ મંજૂરીની પ્રક્રિયામાં અટવાયેલું છે.
નરવણેનું પુસ્તક બતાવી મોદી સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર
રાહુલ ગાંધીએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યા બાદ સંસદ પરિસરમાં પુસ્તક બતાવી દાવો કર્યો હતો કે, ‘મને લાગે છે કે નરવણેનું આ પુસ્તક વિદેશમાં મળે છે, તે વિદેશમાં પબ્લિશ થઈ ચૂક્યું છે, જ્યારે સરકાર અહીં તેને પબ્લિશ કરવા દેતી નથી. મને એવું લાગી રહ્યું છે..’ દેશની સુરક્ષાનો ઉલ્લેખ કરતાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની સુરક્ષા જ્યારે ગંભીર સંકટ પર હતી ત્યારે મોદીજી રાજનૈતિક જવાબદારીથી હાથ અદ્ધર કરી દીધા હતા, જનરલ નરવણે ખુદ લખે છે કે તે સમયે તેમણે અહેસાસ થયો હતો કે રાજનૈતિક નેતૃત્વએ સેનાને એકલા મૂકી દીધી હતી..’



