વડોદરા: સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં યુવકની હત્યાનો બનાવ: કોર્ટે આરોપીના જામીન નામંજુર કર્યા | Vadodara: Court Rejects Bail for Accused in Sayajiganj Murder Case

![]()
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રૂપિયાનો લેવડ દેવડ બાબતે સર્જાયેલી માથાકૂટમાં આરોપીની પત્ની બાબતે મજાક કરતા થયેલા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડનાર યુવકને લોખંડની કોસના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા આ અંગે સયાજીગંજ પોલીસ મથકના ચોપડે હત્યાનો ગુનો નોંધાયો છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.
ગત તા.5/10/25 ના રોજ બપોરે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ભવાનીનગર ચકલા પાસે જયેશ સોનારએ આરોપી પાસે પૈસાની માંગણી કરતા આરોપીએ આપવાની ના પાડી હતી. જયેશ સોનારે આરોપી રાહુલના હાથમાં રહેલ રૂ. 200 લેવા જતા ફાટી ગયા હતા. જેથી રાહુલ અને જયેશ વચ્ચે ઝઘડો થયો હતો. તે વખતે જયેશએ રાહુલની પત્ની બાબતે મજાક કરતા ઝઘડો થતાં છોડાવવા વચ્ચે પડેલા 30 વર્ષના અજય રાજુભાઈ શિંદે પર આરોપી રાહુલે અચાનક ઉશ્કેરાઈ જઈ નજીકમાંથી લોખંડની કોસ લઈ આવી અજય સિંદેના માથા તથા મોઢાના ભાગે કોસના ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા અજય સિંદેનું મોત નીપજ્યું હતું. તેમજ ફરિયાદી વિકાસ શાંતારામ મોરે ઝઘડા દરમિયાન છોડાવવા વચ્ચે પડતા ફરિયાદીને માથાના ભાગે કોસના ફટકા મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ વીજુબેન શાંતારામ મોરે છોડાવવા જતા તેઓને હાથ ઉપર કોસનો ફટકો મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે અરજદાર /આરોપી રાહુલ રાજુભાઈ ખેડેકર (ધંધો – ડ્રાઇવિંગ) (રહે વારસિયા પાણીની ટાંકી સામે ,વારસિયા) સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ (ભારતીય દંડ સંહિતા) હત્યા, હત્યાનો પ્રયાસ તથા જી.પી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં હોય રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા અરજી રજૂ કરી હતી. આ અરજની ચોથા એડિ. સેશન્સ જજ મોબિન. અબ્દુલરસીદ. ટેલરની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે, શંકાના આધારે ગુનામાં ખોટી રીતે સંડોવી દીધા છે. આરોપી પાસેથી કોઈ હથિયાર કે અન્ય મુદ્દામાલ રિકવર કરાયો નથી. આ ગુનામાં કોઈ સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા નથી. આરોપીનો હાલનો પ્રથમ ગુનો છે. ટ્રાયલ ચાલતા ઘણો લાંબો સમય લાગે તેમ છે. આરોપીને હેવી રકમના જામીન લઈને જામીનમુક્ત કરવા જોઈએ.
સરકાર તરફે ધારાશાસ્ત્રી ડીજીપી (ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લિડર)અનિલ દેસાઈએ દલીલો કરી હતી. સરકારી વકીલે તપાસ અધિકારીના સોગંદનામાં ઉપર આધાર રાખી મુખ્યત્વે દલીલ કરી છે કે, આરોપીએ ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે. આરોપી વડોદરાના વતની હોય તેથી સાક્ષી, પુરાવા સાથે ચેડા થઈ શકે છે. ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમજ કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ. વધુમાં આરોપી વિરુદ્ધ મોતની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે.
કોર્ટે રજૂ કરેલ દસ્તાવેજો, પોલીસ તપાસના પેપર્સનો અભ્યાસ કરતા તથા બંને પક્ષોની દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આરોપીની આ ગુનામાં સંડોવણી હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાય છે. આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ ગયેલ હોવાથી સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી. આરોપી વિરુદ્ધ મોત અથવા આજીવન કેદની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે. જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સાક્ષીઓને ધાક ધમકી આપી ફોડવાના પ્રયત્નો કરે તેની શક્યતા નકારી શકાય તેમ નથી.
આમ, ગુનાનો પ્રકાર, સજાની જોગવાઈ, આરોપીનો રોલ વિગેરે તમામ પરિબળો ધ્યાને લેતા અરજદાર /આરોપી રાહુલ ખેડેકરની રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાની જામીન અરજી નામંજૂર કરી છે.



