એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay high court ruling father surname not mandatory single mother child identity

Single Mother Rights: બોમ્બે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ બાળકનો ઉછેર સિંગલ મધર એટલે કે માત્ર તેની માતા દ્વારા જ કરવામાં આવ્યો હોય, તો તેને પિતાનું નામ, અટક કે જ્ઞાતિ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચના જસ્ટિસ વિભા કંકણવાડી અને હિતેન વેણેગાવકરની બેન્ચે આ મહત્ત્વનો આદેશ આપતા એક 12 વર્ષની બાળકીને શાળાના રેકોર્ડમાં પિતાના બદલે માતાનું નામ અને જ્ઞાતિ બદલવાની મંજૂરી આપી છે.
પિતૃસત્તાક માનસિકતાનો અંત: દસ્તાવેજોમાં માતાને મળ્યું કેન્દ્રસ્થાન
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, સિંગલ મધરને બાળકની નાગરિક ઓળખ માટે ‘સંપૂર્ણ વાલી’ તરીકે માન્યતા આપવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ તે બંધારણીય ગરિમા અને મૂળભૂત અધિકારનો વિષય છે. કોર્ટના મતે, વહીવટી પ્રક્રિયામાં પિતાના નામને પ્રાધાન્ય આપી માતાના નામને ગૌણ રાખવું એ અસમાનતાને પ્રોત્સાહન આપવા સમાન છે.
પિતાની ગેરહાજરી છતાં ઓળખ લાદવી એ પિતૃસત્તાક માનસિકતા: હાઈકોર્ટની આકરી ટિપ્પણી
આ કેસની વિગતો મુજબ, અરજદાર બાળકીની માતા એક ‘સિંગલ પેરેન્ટ’ છે અને બાળકીનો સંપૂર્ણ ઉછેર તેમણે જ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, બાળકીના પિતા પર ભૂતકાળમાં જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા. ત્યારબાદ થયેલા કાનૂની સમાધાન મુજબ, બાળકીની કાયમી કસ્ટડી માતાને સોંપવામાં આવી હતી અને પિતાનો બાળકીના જીવનમાં કોઈ પણ પ્રકારે સંપર્ક કે ભૂમિકા નથી.
વિકાસ માત્ર વાતોમાં નહીં, વિચારોમાં હોવો જોઈએ: હાઈકોર્ટ
આમ છતાં, જ્યારે માતાએ શાળાના રેકોર્ડમાં પિતાના સ્થાને પોતાનું નામ અને જ્ઞાતિ ‘મરાઠા’માંથી બદલીને ‘મહાર (અનુસૂચિત જાતિ)’ કરવાની વિનંતી કરી, ત્યારે શાળા સત્તાવાળાઓએ તેને ફગાવી દીધી હતી. આ મામલે હાઈકોર્ટે અત્યંત આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, ‘જે પિતા બાળકના જીવનમાં ક્યાંય હાજર જ નથી, તેની ઓળખ બાળક પર પરાણે લાદવી એ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતીક છે. જે સમાજ વિકાસના મોટા દાવા કરતો હોય, તે આવી રૂઢિચુસ્ત વ્યવસ્થાનો આગ્રહ રાખી શકે નહીં.’
આ પણ વાંચો: રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે
ઓળખ માટે માતાનું નામ જ પૂરતું
કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે, શાળાના રેકોર્ડ એ માત્ર કોઈ ખાનગી નોંધ નથી, પરંતુ એક એવો જાહેર દસ્તાવેજ છે જે બાળકની સાથે આજીવન જોડાયેલો રહે છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે નીતિગત રીતે માતાના નામને બાળકની ઓળખ માટે કેન્દ્રસ્થાને સ્વીકાર્યું હોય, ત્યારે કોઈ પણ ગૌણ સત્તાવાળા કે સંસ્થા આવી ન્યાયી વિનંતીને નકારી શકે નહીં.
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જ્યારે વહીવટીતંત્ર પિતાના નામને અનિવાર્ય અને માતાના નામને વૈકલ્પિક માને છે, ત્યારે તે દસ્તાવેજો દ્વારા સમાજમાં અસમાનતાને જ પ્રોત્સાહન આપે છે.’ અદાલતનો આ ઐતિહાસિક ચુકાદો સિંગલ મધર તરીકે સંઘર્ષ કરતી અને પોતાના સંતાનોને સન્માન અપાવવા લડતી તમામ મહિલાઓ માટે એક મોટી નૈતિક અને કાનૂની જીત સમાન છે.



