સુપ્રીમ કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં ટ્રમ્પનો 10% ટેરિફનો નવો આદેશ, દુનિયાભરમાં ફફડાટ | Trump Imposes 10% Global Tariff After Supreme Court Rejection

![]()
Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાયતંત્ર સામે આરપારની જંગ છેડી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જૂના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ કરી દીધો છે.
વિશ્વના તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાગુ
અમેરિકન સુપ્રીમ કોર્ટે 6-3 ના બહુમતી ફેંસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને રદબાતલ ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોંગ્રેસની મંજૂરી વિના પ્રમુખપાસે આ પ્રકારના ટેરિફ લાદવાની સત્તા નથી. જોકે, આ નિર્ણયથી નારાજ ટ્રમ્પે ઓવલ ઓફિસથી ‘ટ્રેડ એક્ટ 1974’ ની કલમ 122 નો ઉપયોગ કરીને નવો આદેશ જારી કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મને જણાવતા ગર્વ થાય છે કે મેં તમામ દેશો પર 10% ગ્લોબલ ટેરિફ પર હસ્તાક્ષર કર્યા છે, જે તત્કાળ અસરથી અમલમાં આવશે.”
150 દિવસની અગ્નિપરીક્ષા
આ નવો ટેરિફ હાલમાં 150 દિવસ એટલે કે અંદાજે પાંચ મહિના સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ પ્રશાસન અન્ય દેશો પર કાયમી ટેરિફ નક્કી કરવા માટે જરૂરી તપાસ કરશે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ માત્ર શરૂઆત છે અને જરૂર પડ્યે દરોમાં મોટો વધારો પણ થઈ શકે છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, “હું વેપાર નષ્ટ કરી શકું છું, પ્રતિબંધ લગાવી શકું છું, તો શું હું 1 ડોલરનો ટેરિફ ન લાદી શકું? આ મૂર્ખામીભર્યું છે.”
જૂના ટેરિફના અબજો ડોલર પર અનિશ્ચિતતા
સુપ્રીમ કોર્ટના આંચકા બાદ, ગયા વર્ષે ટેરિફ દ્વારા વસૂલવામાં આવેલા અંદાજે 175 અબજ ડોલરના મહેસૂલ પર સવાલો ઊભા થયા છે. આ રકમ આયાતકારોને પરત (Refund) કરવી પડશે કે કેમ તે અંગે ટ્રમ્પે જણાવ્યું કે આ મામલો હજુ બે વર્ષ સુધી કોર્ટમાં ચાલશે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન હવે રાષ્ટ્રીય સુરક્ષા (કલમ 232) અને અયોગ્ય વ્યાપાર નીતિઓ (કલમ 301) હેઠળ પણ નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.



