એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of water wasted every day

![]()
– દૈનિક 6.80 લાખ કિલોવોટ વીજળીનો ખર્ચ
– દુનિયાના 110 કરોડ યુઝર્સ વિભિન્ન એઆઈ એપ્સમાં દરરોજ 250 કરોડ પ્રોમ્પ્ટ આપતા હોવાથી વીજળી-પાણીનો વપરાશ વધ્યો
– 10 કરોડ એઆઈ યુઝર્સના કારણે જેટલી વીજળીનો ખર્ચે થાય છે એટલામાં ૨૨ હજાર ઘરોમાં વીજળી આપી શકાય
નવી દિલ્હી : એઆઈની લોકપ્રિયતા વધી રહી છે. દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરતા થયા છે. એઆઈ ટૂલ્સ રોજિંદા કામમાં પણ ઉપયોગી થઈ રહ્યાં છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. એઆઈ ટેકનોલોજી એમ ને એમ નથી ચાલતી. તેની પાછળ વીજળી અને પાણી ખર્ચાય છે. એઆઈના ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વીજળીનો મોટો જથ્થો વપરાય છે. ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે વિપુલ માત્રામાં પાણીની જરૂર પડે છે.
દુનિયામાં ૬૦૦ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. એમાંથી ૧૮ ટકા લોકો એઆઈનો ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે અત્યારે દુનિયામાં ૧૦૦ કરોડ લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ યુઝર્સ દરરોજ જુદા જુદા એઆઈ ટૂલ્સને ૨૫૦ કરોડ પ્રોમ્પ્ટ આપે છે. એઆઈને પ્રોમ્પ્ટ આપવા એટલે એઆઈ પાસેથી કંઈ કામ લેવું હોય તો તેના બદલામાં તેને આપવી પડતી માહિતી. એઆઈને પ્રોમ્પ્ટ આપ્યા પછી એ તેનો જવાબ આપે છે. કોઈને માહિતી આપે છે, કોઈને અનુવાદો કરી આપે છે, કોઈને ફોટો બનાવી આપે છે, કોઈને વીડિયો સર્જી દે છે. આ બધું જ કામ ગણતરીની સેકન્ડ્સમાં થાય છે એટલે દુનિયાભરમાં એઆઈના યુઝર્સ વધી રહ્યા છે.
પરંતુ તેની સાઈડ ઈફેક્ટ વિશે હજુ સુધી ખાસ ચર્ચા થતી નથી. એઆઈ એક પ્રોમ્પ્ટનો જવાબ આપે છે ત્યાં સુધીમાં ૦.૩૪ વોટ વીજળી ખર્ચાઈ જાય છે. આ એટલી વીજળી છે કે જેનાથી એલઈડી લેમ્પ બે મિનિટ ચાલે છે. કરોડો યુઝર્સ એટલા પ્રોમ્પ્ટ આપે છે કે તેની પ્રોસેસ પાછળ જુદા જુદા એઆઈ ટૂલ્સ દરરોજ ૬.૮૦ લાખ કિલોવોટ વીજળી વપરાય છે. ૧૦ કરોડ યુઝર્સ એઆઈ પાસેથી જેટલું કામ લે છે અને એ માટે જેટલી વીજળી વપરાય છે એટલી વીજળીથી ૨૨ હજાર ઘરોને એક દિવસ વીજળી આપી શકાય છે.
ડેટા સેન્ટર્સ ઠંડા રાખવા જરૂરી છે, નહીંતર એ કામ કરતા નથી. તેમાં ઝડપ આવે નહીં. ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે પાણીનો મોટો જથ્થો વપરાય છે. ગૂગલના ઈન્વાયરમેન્ટ રિપોર્ટમાં કહેવાયું હતું કે ડેટા સેન્ટર્સ પાછળ વર્ષમાં ૨૩૦૦ કરોડ લિટર પાણીનો જથ્થો વપરાય છે. એમાં એક વર્ષમાં ૧૭ ટકાના દરે વધારો થઈ રહ્યો છે. વર્ષ દર વર્ષ આ આંકડો સતત વધતો રહેવાનો છે. દરરોજ એક માણસને સરેરાશ ૧૩૫થી ૧૫૦ લિટર પાણીની જરૂર પડે છે. તે હિસાબે દરરોજ ૧૫૦ કરોડ લોકોને પૂરતો થઈ પડે એટલો પાણીનો જથ્થો એઆઈ પાછળ વપરાય છે.



