પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arrest 20 Year Absconding Accused in 2006 Kidnapping Case

![]()
Panchmahal Kidnapping Case 2006: પંચમહાલ જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે બે દાયકાથી ગંભીર ગુનામાં સફળતા મેળવી છે. શહેરા પોલીસ મથકના વર્ષ 2006ના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી પોતાની ઓળખ છુપાવી રહેલા વોન્ટેડ આરોપીને પોલીસે ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાંથી દબોચી લીધો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસરા, શહેરા તાલુકાના અણીયાદ ગામના તીતાજીના મુવાડા વિસ્તારના રહેવાસી ભોપત ઉર્ફે ભુપત રાઠોડ સામે વર્ષ 2006માં અપહરણ અને દુષ્કર્મનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસ પકડથી બચવા માટે આરોપી ભુપત પોતાનું મૂળ વતન છોડી ભાગી ગયો હતો. છેલ્લા 20 વર્ષથી તે અલગ-અલગ સ્થળોએ પોતાની સાચી ઓળખ છુપાવીને રહી રહ્યો હતો, જેથી તે પોલીસના હાથમાં આવતો નહોતો.
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ જ્યારે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે, આરોપી ભુપત હાલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વજેવાલ ગામે છુપાયેલો છે. બાતમી મળતા જ પોલીસની ટીમે વજેવાલ ગામે છાપો માર્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી 67 વર્ષીય ભુપત રાઠોડ મળી આવતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી હતી.
શહેરા પોલીસને સોંપાયો
20 વર્ષ સુધી પોલીસને હંફાવનાર આ વૃદ્ધ આરોપીને ઝડપી પાડ્યા બાદ પેરોલ ફર્લો સ્ક્વોડે તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને કોર્ટમાં રજૂ કરવા માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
