राष्ट्रीय

સરકાર જનતાને મફત લહાણીના બદલે રોજગારી આપે : સુપ્રીમ કોર્ટનો ઠપકો | Government should provide employment to the public instead of free food: Supreme Court reprimands



– મફત ભોજન, વીજળી, સાઈકલ મુદ્દે તમિલનાડુ સરકારને ઝાટકી

– સરકારો પર જંગી દેવું થઈ જવા છતાં મફત વિતરણ ચાલુ છે, જેથી વિકાસ માટે ભંડોળ જ નથી રહ્યું : સુપ્રીમ

– ભોજન અને વીજળી પછી હવે સીધી રોકડ ટ્રાન્સફર થવા લાગી છે : સીજેઆઈ સૂર્યકાંત

નવી દિલ્હી : દેશમાં ચૂંટણી પહેલાં સરકારો અને વિપક્ષ દ્વારા કરાતી મફત લહાણીની જાહેરાતો મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશમાં મફત લહાણીની સંસ્કૃતિ મુદ્દે તમિલનાડુ સહિત બધા જ રાજ્યો અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. બેન્ચે કહ્યું કે, આવી મફત રેવડીની યોજનાઓ દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ છે અને આ પ્રકારની યોજનાઓની પુન:સમીક્ષા જરૂરી છે. આજના સમયમાં મોટાભાગના રાજ્યો પર જંગી દેવું છે, આમ છતાં તેઓ જનતાને મફત લહાણીની વહેંચણી કરી રહી છે અને આર્થિક મુશ્કેલી વધારી રહી છે.

તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં રાજ્ય સરકારે લોકોને મફત ભોજન, વીજળી, સાઈકલ આપવાની યોજના બનાવી છે. આ યોજના પર સવાલ ઉઠાવતા સુપ્રીમે કહ્યું કે કરદાતા સિવાય આ પ્રકારની યોજનાઓનો ખર્ચ કોણ ઉઠાવે છે?  મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ગુરુવારે કહ્યું કે, ભોજન અને વીજળી પછી હવે સીધી રોકડ ટ્રાન્સફર થવા લાગી છે. સરકારોએ રોજગારી પર ધ્યાન આપવું જોઈએ. હાલના સમયમાં વિકાસ પર ઓછો ખર્ચ થઈ રહ્યો છે અને આવી યોજનાઓનો ખર્ચ વધી ગયો છે. સરકારોએ રોજગારી પર વધુ ધ્યાન આપવું જોઈએ.

તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિ.ની તેના ગ્રાહકોની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બધા ને મફત વીજળી પૂરી પાડવાની દરખાસ્ત મુદ્દે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશો જોયમાલ્યા બાગચી તેમજ વિપુલ પંચોલીની બેન્ચે કહ્યું કે, સરકાર ગરીબોને મદદ કરે તે સમજી શકાય તેમ છે, પરંતુ સાધન-સંપન્ન વર્ગને મદદની શું જરૂર છે તેમ સુપ્રીમે સરકારને સવાલ કર્યો હતો.

બેન્ચે ઉમેર્યું કે, આજના સમયમાં મોટાભાગના રાજ્યો પર જંગી  દેવું છે અને છતાં તેઓ જનતાને આ પ્રકારની મફત લહાણી કરે છે. આ પ્રકારની યોજનાઓથી દેશ અને રાજ્યોના આર્થિક વિકાસ મુશ્કેલીમા મૂકાય છે. સરકારો મફત ભોજન, સાયકલ, વીજળી જેવી વસ્તુઓ આપવાના બદલે જનતાને રોજગારીની તકો આપવી જોઈએ. જોકે,  સુપ્રીમ કોર્ટે જનતાને મફત વીજળી પૂરી પાડવાની તમિલનાડુ સરકારની દરખાસ્ત મુદ્દે કેન્દ્ર અને અન્યોને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજના સમયમાં અનેક રાજ્યો નાણાકીય ભંડોળની સામનો કરે છે, છતાં કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર કરી રહ્યા છે. કર્મચારીઓના પગાર અને મફતની સુવિધાઓનો બોજ એટલો વધી ગયો છે કે વિકાસ માટે જરૂરી ભંડોળ જ નથી. આખા ભારતમાં આ પ્રકારની મફત લહાણીની સંસ્કૃતિ વિકસી રહી છે.



Source link

Related Articles

Back to top button