એપસ્ટીન ફાઇલ : બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્રયુ જેલભેગા | Epstein file: Britain’s former Prince Andrew jailed

![]()
– બ્રિટિશ પોલીસે 66મા જન્મદિવસની ઉજવણી વખતે જ કાર્યવાહી કરી
– એન્ડ્રયુની જાહેર હોદ્દા પર રહી તેનો દૂરુપયોગ કરવાના અને એપસ્ટીનને ગુપ્ત માહિતી આપવાના આરોપસર હેઠળ ધરપકડ
નવી દિલ્હી : બ્રિટનના કિંગ ચાર્લ્સ-૩ના નાના ભાઈ અને ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રયુ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં એપસ્ટીન ફાઇલમાં તેનું નામ આવ્યું હતું. બીબીસીના રિપોર્ટ મુજબ એન્ડ્રયુની બ્રિટિશ પોલીસે હોદ્દાનો દૂરુપયોગ કરવાની શંકાના આધારે તેમની ધરપકડ કરી છે. તે ૬૬મા જન્મદિવસને મનાવી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ થઈ હતી. આમ એપસ્ટીન ફાઇલમાં પહેલી ધરપકડ થઈ છે.
ગયા સપ્તાહે એન્ડ્રયુની સામે થેમ્સ વેલી પોલીસમાં હોદ્દાના દૂરુપયોગ બદલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાજાશાહીના વિરોધી કાર્યકરે તેમની સામે ફરિયાદ કરી હતી. તે સમયે તેમના પર એપસ્ટીનની સાથેના બિઝનેસ સંલગ્ન દસ્તાવેજો ંશેર કરવાનો આરોપ લાગ્યો હતો. નિયમો હેઠળ ટ્રેડ રાજદૂતોએ તેમના પ્રવાસની જાણકારી ખાનગી રાખવાની હોય છે. પછી ભલેને તે ગમે તે હોદ્દા પર હોય.
થેમ્સ વેલી પોલીસના જણાવ્યા મુજબ તે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાને લઈને કાયદાકીય પ્રતિનિધિઓ સાથે વાત કરી રહ્યા છે. લંડન ટાઇમ્સના રિપોર્ટ મુજબ ૨૦૧૦થી ૨૦૧૫ સુધી બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ રહેલા વિન્સ કેબલે એન્ડ્રયુ પર ટ્રેડ રાજદૂતના હોદ્દા પર રહેવા દરમિયાન તેના દૂરુપયોગનો આરોપ મૂક્યો છે.એન્ડ્રયુએ હોદ્દા પર રહેવા દરમિયાન કરેલા અયોગ્ય વ્યવહારના પરિણામે ટાઇટલ છીનવાયું.
ગયા વર્ષે લાંબી તપાસ પછી એન્ડ્રયુ માઉન્ટબેટન વિન્ડસર પાસેથી તેમને આપવામાં આવેલી પ્રિન્સની ઉપાધિ પરત લઈ લેવાઈ હતી. હવે તે ફક્ત એન્ડ્રયુ વિન્ડસરના નામથી જ ઓળખાશે. એન્ડ્રયુ માઉન્ટ બેટનનું નામ એપસ્ટીન ફાઇલમાં આવ્યું છે. તેના પર ઘણા ગંભીર આક્ષેપ લાગ્યા હતા. એક મહિલાનો આરોપ છે કે એપસ્ટીન તેને માઉન્ટ બેટન સાથે જાતીય સંબંધ બાંધવા માટે બ્રિટનથી દાણચોરી કરીને લાવવામાં આવી હતી. મહિલાનો દાવો છે કે તેમણે બ્રિટનના વ્યાપાર દૂત તરીકે કામ કરતાં દોષિત પીડોફિલ સાથે સંવેદનશીલ જાણકારી શેર કરી હતી. જો કે એન્ડ્રયુઝે આરોપો સતત ફગાવ્યા છે.
કિંગ ચાર્લ્સે પણ એન્ડ્રયુની ધરપકડ અંગે સૂચક નિવેદન કરતાં જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે.કોઈપણ કાયદાથી પર નથી. યુકેના પીએમ કીર સ્ટારમરે પણ જણાવ્યું હતું કે કોઈપણ કાયદાથી પર નથી.કાયદો બધા માટે સમાન છે. પછી તે ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રયુ પણ કેમ ન હોય. તેના પર ચાઇલ્ડ સેક્સ ટ્રાફિકર જેફરી એપસ્ટીને પૂરી પાડેલી ૧૭ વર્ષની યુવતી વર્જિનિયા ગિવફ્રે સાથે જાતીય સંબંધ બાંધવાનો આરોપ તે યુવતીએ જ મૂક્યો હતો. તેના પગલે ચકચાર ફેલાઈ હતી. તેના પછી એન્ડ્રયુએ તેની સાથે કોર્ટની બહાર પતાવટ કરી હતી. જો કે તેના પછી પણ આ વિવાદ શમ્યો ન હતો.
એપસ્ટીન કાંડમાં નામ આવતા હયાતના વડાનું રાજીનામું
વોશિંગ્ટન : વિશ્વના ચર્ચાસ્પદ સગીર સેક્સકાંડના આરોપી જેફરી એપસ્ટેઇનની ફાઇલમાં નીતનવા નામ ખૂલી રહ્યા છે. તેમા રાજકારણીઓ, બેન્કર અને પ્રિન્સ એન્ડ્રયુ જેવી હસ્તીઓના નામ તો ખૂલ્યા જ છે. હવે વધુ એક નામ હયાત હોટેલ્સના કાર્યકારી વડા ટોમ પ્રિટ્ઝકરનું આવ્યું છે. તેના પછી તેમણે રાજીનામુ આપ્યું હતું.
અમેરિકાના સગીર સેક્સકાંડના આરોપી જેફરી એપસ્ટીન સાથેના સંબંધોના પર્દાફાશ ફચી આખા વિશ્વમાં રાજીનામાનો દોર જારી છે. અમેરિકાના ન્યાય વિભાગની ફાઇલ પરથી ખબર પડે છે કે એપસ્ટીન અને પ્રિટ્ઝકર ૨૦૦૮થી સંપર્કમાં હતા. તેઓ વ્યવસાયિક સોદાઓ ઉપરાંત ખાનગી પ્રવાસ માટે પણ તેની મદદ લેતા હતા. પ્રિત્ઝકર આ હોદ્દા પર ૧૯૯૯થી હતા. ફોર્બ્સના રિપોર્ટ મુજબ હયાત વિશ્વની સૌથી મોટી હોટેલ કંપનીઓમાંથી એક છે. તે ૮૩ દેશોમાં ૧,૫૦૦થી વધુ હોટેલ ચલાવે છે. હયાતના ચેરમેનની કુલ સંપત્તિ ૬.૨ અબજ ડોલર છે. ટોમ પ્રિટ્ઝકર પ્રસિદ્ધ અબજપતિ કારોબારી અને હયાત હોટેલ ચેઇનના માલિક છે. તેમણે ૨૦૦૪ સુધી હયાતના વડા તરીકે કામ કર્યુ અને ૧૯૯૯થી ૨૦૨૬ સુધી તેના સીઇઓ પણ રહ્યા. પ્રિટ્ઝકરં એપસ્ટીન સાથેના સંપર્કો બદલ ખેદની લાગણી વ્યક્ત કરી. બોર્ડને લખેલા પત્રમાં ટોમ પ્રિટ્ઝકરે જણાવ્યું હતું કે કંપનીની પ્રતિષ્ઠાની જાળવણી કરવા તેમણે રાજીનામુ આપ્યું છે. પ્રિટ્ઝકરના રાજીનામા પછી હયાતે કંપનીના વડા અને સીઇઓ પદે માર્ક હોફલામાજિયનને નીમ્યા છે.



