25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણ રૂ।. 600ને પાર | Price crosses Rs 600 per maund following exemption from export of 2 5 million tonnes of wheat

![]()
ગુજરાતમાં ઘંઉનું મબલખ ઉત્પાદન, વિક્રમી વાવેતર છતાં ઈ. 2024-25માં ગુજરાતમાં 45 લાખ ટન, દેશમાં 1180 લાખ ટનનો વિપુલ પાક : ચાલુ વર્ષે ગુજરાતમાં 14 ટકા વાવેતર વધુ થયું
રાજકોટ, : ઈ. 2025ની રવી સીઝનમાં ઘંઉનું ઉત્પાદન ગુજરાત સહિત દેશભરમાં વધ્યું છે અને તાજેતરમાં પૂરી થયેલી રવી સીઝન- 2026માં ઘંઉનું વિક્રમી વાવેતર થયું છે જે અન્વયે ઘંઉના ભાવ નીચા રહ્યા બાદ તાજેતરમાં 25 લાખ ટન ઘંઉની નિકાસની છૂટના અહેવાલોના પગલે ઘંઉના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઈ.સ. 2024-25ના વર્ષમાં 13.71 લાખ હેક્ટર જમીનમાં 44.98 લાખ ટન ઘંઉનો રેકર્ડ પાક થયો હતો જે તે પહેલાના વર્ષ ઈ. 2023-24 માં 12.46 લાખ હે.વાવેતર સાથે 39.03 લાખ ટન ઉત્પાદન થયું હતું. આમ, ગત વર્ષે 5.95 લાખ ટનનો નોંધપાત્ર વધારો થયો હતો. ઉપરાંત ઈ. 2024=25માં સમગ્ર દેશમાં પણ 1180 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે.
આ ઉપરાંત ગત તા. 2 ફેબુ્રઆરી સુધીમાં ઘંઉનું વાવેતર ગુજરાતમાં 14 ટકા વધી 14.83 લાખ હેક્ટર થયું છે અને ઉપજ જળવાઈ રહે તો ઉત્પાદનમાં મોટો વધારો થવાની શક્યતા છે. સમગ્ર દેશમાં આ સ્થિતિના પગલે ઘંઉના પોષણક્ષમ ભાવ મળે તે માટે નિકાસની છૂટ લાંબા સમય બાદ અપાઈ છે જેની અંશતઃ અસર જોવા મળી રહી છે.
ટૂકડા ઘંઉના પ્રતિ મણ મહત્તમ ભાવ રાજકોટ બેડી યાર્ડમાં તા. 1થી 13 સુધી 600 નીચે રહ્યા હતા, ગત વર્ષે આ ભાવ રૂ।. 700 સુધી પહોંચ્યા હતા. પરંતુ, તા. 14 ફેબુ્રઆરીથી સારી ગુણવત્તાના ટુકડા ઘંઉના આ ભાવ આંશિક ઉંચકાઈને 600ને પાર થયા છે. આજે રૂ।. 455-620 ના ભાવે સોદા થયા હતા. 4દિવસથી નવા ઘંઉની આવક વધીને દૈનિક 3000થી 4000 ક્વિન્ટલ નોંધાઈ છે.



