गुजरात

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જમીનનો આખો ઝોન બદલવો પડ્યો | Ghuma Shilaj Bridge : AUDA’s ₹80 Crore Mistake Forces Govt to Change Land Zone for Connectivity



Ghuma-Shilaj Bridge Problem : અમદાવાદના બોપલ-ઘુમામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી કરોડોના ખર્ચે બનેલો રેલવે ઓવરબ્રિજ સત્તાધીશોના મૂર્ખામીભર્યા આયોજનનો નમૂનો બની ગયો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(AUDA- ઔડા)એ બુદ્ધિનું પ્રદર્શન કરીને બનાવેલો રેલવે ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી લોકાર્પણ વગર શરુ કરી દેવાતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. અંદાજે રૂપિયા 80 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ પૂરો થતાં જ આગળ દીવાલ હતી, જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી ધૂળ ખાતો હતો. સ્થાનિકો જીવના જોખમે કાચા રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે. મહત્ત્વનું છે કે, આ ભૂલ સુધારવા રાજ્ય સરકારે ઘુમા બ્રિજને જોડતી જમીનનો ઝોન જ બદલવો પડ્યો છે. 

ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે આ બ્રિજની મુલાકાત લીધી અને ત્યાંથી પસાર થતાં લોકો સાથે વાતચીત કરીને તેમને થતી મુશ્કેલી વિશે જાણ્યું.

બ્રિજના છેડે જોખમી યુ ટર્ન, અકસ્માતની શક્યતા 

બોપલથી સીધા ઘુમા તરફ આવ્યા બાદ આ બ્રિજ પર સરળ રીતે ચઢી શકાય છે પણ, જ્યારે શીલજ તરફ ઉતરો ત્યારે સામે એક મોટી દીવાલ અને એની બાજુમાં કાચો રસ્તો આવી જાય છે. બ્રિજ અને શીલજ મુખ્ય માર્ગ વચ્ચે લગભગ 300 મીટરનું અંતર છે, જ્યાં હાલ કોઈ રોડ અસ્તિત્વમાં નથી. વાત એમ છે કે, ઔડા અને રેલવેએ વર્ષ 2017માં આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી, 2019માં તેનું કામ શરુ થયું અને 2024માં બ્રિજ બનીને તૈયાર પણ થઈ ગયો. પરંતુ આયોજનમાં ભૂલના કારણે તેનું ઉદ્ઘાટન ના થયું. છેવટે સ્થાનિકો કંટાળીને પોતાના જોખમે આ બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે. આ માટે તેઓ બ્રિજના છેડેથી જોખમી રીતે યુ-ટર્ન પણ લે છે, જ્યાં અકસ્માતની પૂરેપૂરી શક્યતા છે.

ઔડા ભૂલ સુધારીને સરકારે જમીનનો ઝોન બદલવો પડ્યો

અમદાવાદના ઘુમા વિસ્તારમાં 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજ મામલે આખરે રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને ઔડાની ભૂલના કારણે જમીનનો ઝોન બદલવો પડ્યો છે. આ બ્રિજ પૂરો થતાં જ સામે દીવાલ હોવાથી અને આગળ રસ્તો ન હોવાથી કરોડોનો આ પ્રોજેક્ટ અત્યાર સુધી ધૂળ ખાતો હતો. આ સમસ્યાનું મૂળ કારણ એ છે કે, બ્રિજ પૂરો થાય છે, તે જમીન એગ્રિકલ્ચર ઝોનમાં હતી. જો કે, હવે રાજ્ય સરકારે આ જમીનનો ઝોન બદલીને તેને રેસિડેન્ટ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ઝોન ફેરફારને કારણે બ્રિજને જોડતા રસ્તાનું કામ આગળ વધી શકશે અને સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

 જમીનનો આગોતરો કબજો લેવા માલિકોની સમજાવટ ચાલુઃ ઔડા 

આ અંગે ઔડાના અધિકારી ડી. પી. દેસાઈનું કહેવું છે કે, સરકારે ઘુમા-શીલજ બ્રિજ વિસ્તારમાં ઝોન ફેર કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે, તેથી હવે અમે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાનું આયોજન હાથ ધરીશું, જેથી આ મુશ્કેલીનો 100 ટકા ઉકેલ લાવી શકાય. આ ટીપી સ્કીમ હેઠળ દીવાલ આગળની વધારાની જગ્યાને રસ્તામાં સમાવી લેવાશે અને જમીન માલિકોને 40 ટકા કપાત બાદ ફાઇનલ પ્લોટ ફાળવીને કબજો લેવાની કાર્યવાહી કરાશે. સામાન્ય રીતે આ પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર સ્ટેજ સુધી પહોંચવામાં પાંચ-છ મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ જો જમીન માલિકો અમને સમજાવટથી જમીનનો આગોતરો કબજો આપી દે, તો અમે દોઢ મહિનામાં જ ટેન્ડર બહાર પાડી શકીએ તેમ છીએ અને તે માટે અત્યારે અમારી સમજાવટ પણ ચાલુ છે.

‘રસ્તો રિપેર કર્યા પછી, એક અઠવાડિયામાં ફરી ખરાબ થઈ જાય છે’

શીલજ વિસ્તારમાં રહેતા અને આ બ્રિજ પરથી નિયમિત રીતે પસાર થતા દીપકભાઈ રાવલે જણાવ્યું કે, હું અહીંથી દિવસમાં બે-ત્રણ વખત પસાર થાઉં છું અને જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી અહીંથી આગળ વધવા માટે કોઈ રસ્તો જ નથી કારણ કે સામે સીધી દીવાલ છે. આ બ્રિજ પરથી છેલ્લા છ મહિનાથી લોકો અવરજવર કરે છે, પરંતુ નીચે ઉતરવાનો કોઈ પાકો રસ્તો નથી અને બાજુનો રસ્તો સાવ કાચો છે, જેના લીધે સોસાયટી વિસ્તારના અને અહીંથી રોજ પસાર થતાં 10થી 15 હજાર લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. મેં આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને અત્યાર સુધી 15થી 20 વખત રજૂઆત કરી છે, પણ તેઓ રસ્તો રિપેર કરે તો પણ એક જ અઠવાડિયામાં એ ફરી પાછો જેવો હતો તેવો જ ખરાબ થઈ જાય છે. અગાઉ અહીં સફાઈ પણ થતી નહોતી અને કચરો ભરેલો રહેતો હતો. જો કે રજૂઆત બાદ સફાઈ થઈ છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ રસ્તાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેતી નથી.

‘આ બ્રિજનો મતલબ જ નથી કારણ કે, આગળ રસ્તો જ નથી’

આ બ્રિજ પરથી નિયમિત પસાર થતાં કમલેશભાઈએ જણાવ્યું કે, અહીંથી રોજ આવવા-જવાનું હોય છે. મને લાગે છે કે આ બ્રિજ સાવ નકામો છે. તેના બદલે અંડરબ્રિજ બનાવ્યો હોત તો તે વધારે સારું હોત. આ બ્રિજ બનાવવાનો કોઈ જ અર્થ નથી કારણ કે આગળ કોઈ રસ્તો જ નથી, જેના કારણે સરકારના પૈસાનો ખોટો બગાડ જ થયો છે. આ બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ ઉતરીએ ત્યારે આગળ દીવાલ આવી જાય છે, તેથી આ બ્રિજનો કોઈ જ મતલબ રહેતો નથી.

‘અહીં ઉડતી સખત ધૂળના કારણે ઈન્ફેક્શન પણ થઈ જાય છે’

અહીંથી નિયમિત પસાર થતા વાહન ચાલક અમિતભાઈએ જણાવ્યું કે, હું છેલ્લા બે-ત્રણ મહિનાથી આ રસ્તેથી પસાર થાઉં છું અને અહીં ઉડતી સખત ધૂળના કારણે શરીરમાં ઇન્ફેક્શન પણ થાય છે. આ બ્રિજની ડિઝાઇનમાં જ ખામી છે કારણ કે, બ્રિજ પૂરો થતા જ બરાબર સામે દીવાલ આવી જાય છે, જેનાથી લોકોને તકલીફ પડે છે અને અકસ્માતનો પણ ડર રહે છે. ખરેખર તો આ બ્રિજની મંજૂરી આપતા પહેલા લોકોનો વિચાર કરવો જોઈતો હતો. પિક અવર્સમાં અહીંથી પસાર થતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે, મોટા વાહનોને વળવા માટે પણ પૂરતી જગ્યા નથી, તો ટુ-વ્હીલર ક્યાંથી વળી શકે? હાલ બીજે કામ ચાલતું હોવાથી અમારે અને અન્ય નોકરિયાતોને છેક બોપલ ફરીને ન આવવું પડે તે માટે અત્યારે ફરજિયાત આ જ રસ્તે જવું પડે છે.

‘રસ્તો ખૂલે તો શ્રીનાથજીના દ્વારની જેમ ઉત્તર ગુજરાતના દ્વાર ખૂલે’

આ બ્રિજની નજીકની સોસાયટીમાં રહેતા રણછોડભાઈ રબારીએ જણાવ્યું કે, હું જલધારા 3માં રહું છું. મારે નોકરી માટે ગાંધીનગર જવું પડે છે, પણ અત્યારે જવામાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે જેની કોઈ હદ નથી. અત્યારે પ્રોપર રસ્તો ન હોવાથી અમારે આજુબાજુની સોસાયટીઓમાંથી નીકળવું પડે છે, જ્યાં સોસાયટીવાળા ઘણીવાર અમને રોકે છે અને અમારે વિનંતી કરીને ત્યાંથી પસાર થવું પડે છે. જો આ સામેની દીવાલનો રસ્તો ખુલી જાય, તો જેમ શ્રીનાથજીના દ્વાર ખુલે તેમ અમારા માટે ઉત્તર ગુજરાતના દ્વાર ખુલી જાય. ખાસ કરીને પિક અવર્સમાં અહીં ઢાળ અને વળાંક પર એક્ટિવા કે મોટું વાહન વાળવું ખૂબ મુસીબતભર્યું કામ છે. અહીં ગમે ત્યારે ભયાનક અકસ્માત થવાની 100 ટકા શક્યતા છે, તેથી અમારી માગ છે કે આ રસ્તો આગળ વધે તે માટે થોડી મહેનત કરવામાં આવે.

‘અણઘડ આયોજનને કારણે અકસ્માત ના થાય તેનું ધ્યાન રાખવું પડે છે’

અહીંથી દરરોજ પસાર થતાં અને મુશ્કેલી વેઠતા દીપિકાબહેન મોદીએ જણાવ્યું કે, આ બ્રિજની ડિઝાઇનમાં ભારે ખામી છે, કારણ કે બ્રિજ બનાવતા પહેલા અહીં જે દીવાલ નડે છે, જેને તોડીને રસ્તો પ્રોપર કરવાની અને આજુબાજુની જગ્યા એક્વાયર કરવાની જરૂર હતી, જે કર્યા વગર જ બ્રિજ બનાવી દેવાયો છે. બ્રિજ તો બની ગયો છે પણ ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ માટે યોગ્ય વ્યવસ્થા જ નથી; પ્લેઝર ક્લબથી આવવા માટે એન્ટ્રી ભલે સરસ બનાવી હોય પણ જ્યાં બ્રિજ પૂરો થાય છે ત્યાં એક્ઝિટ જ નથી. આ કારણસર સગવડ હોવા છતાં અમે તેનો ઉપયોગ કરી શકતા નથી. આ અણઘડ આયોજનને કારણે અમારે અહીં અકસ્માત ના થાય તેનું ખૂબ ધ્યાન રાખીને ઘણું ધીરેથી વાહન ચલાવવું પડે છે.





Source link

Related Articles

Back to top button