સેવાલીયા પાસેના અંગાડી પહાડીયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો | 800 kg of beef seized from Angadi Pahadiya village near Sevalia

![]()
– ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમનો દરોડો
– માંસના જથ્થા સહિતની રૂ. 1.46 લાખની મત્તા જપ્ત : 4 મુખ્ય આરોપીઓ સહિતના શખ્સો સામે ગુનો, તમામ ફરાર
નડિયાદ : ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અંગાડી પહાડીયા ગામે ગૌવંશના કટીંગની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર દરોડો પાડી મોટા પ્રમાણમાં માંસ અને કતલના સાધનો ઝડપી પાડયા છે. પોલીસની ઓચિંતી રેડ દરમિયાન સ્થળ પરથી ૮૦૦ કિલોગ્રામ માંસ અને અન્ય સાધનો મળી કુલ ૧,૪૬,૨૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડા એલસીબી પીએસઆઈને બાતમી મળી હતી કે, અંગાડી પહાડીયામાં રહેતા ઇરફાન ઇબ્રાહીમ બેલીમ, ઇલ્યાસ મહંમદ બેલીમ, સહીદ ઇબ્રાહીમ બેલીમ અને સદ્દામ ઇસ્માઇલ કુરેશી અને અન્ય કેટલાક શખ્સો ભેગા મળીને ગેરકાયદેસર રીતે ગૌવંશનું કટીંગ કરી રહ્યાં છે. આ બાતમીના આધારે પોલીસ કાફલાએ પંચોને સાથે રાખી રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ કોઈપણ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર અને નિયત કરેલી જગ્યા સિવાય પોતાના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌવંશનું કટીંગ કર્યું હતું.
સ્થળ પરથી પોલીસને અંદાજે ૮૦૦ કિલોગ્રામ ગૌવંશનું માંસ મળી આવ્યું હતું, જેની કિંમત ૧,૩૬,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. દરોડા દરમિયાન માંસ ઉપરાંત કતલ કરેલા ગૌવંશના ૮ નંગ ચામડા, ૫૦ કોથળાઓમાં ભરેલા હાડકાં અને સિંગડાં પણ મળી આવ્યા હતા. પોલીસે કતલ માટે ઉપયોગમાં લેવાતા ૨ નંગ લાકડાના મોટા ટેબલા, ૫ નંગ લોખંડના મોટા છરા, ૧૫ નંગ લાકડાના હાથાવાળી છરીઓ, ૨ નંગ ડીસમીસ જેવા સળીયા, ૧ નંગ લોખંડનો સાદો વજનકાંટો, ૬ નંગ વજનીયા અને ૩ નંગ દોરડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યોે છે. આ મામલે પોલીસે ચાર મુખ્ય આરોપીઓ તેમજ અન્ય કેટલીક મહિલાઓ અને પુરૂષો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. આ તમામ આરોપીઓ હાલ નાસતા ફરતા હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



