राष्ट्रीय

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University scandal: Claims Chinese robot as its own pulls out of AI summit



– આંતરરાષ્ટ્રીય એઆઇ સમિટમાં છબરડા, ચીની મીડિયામાં ભારે ફજેતી

– કોરિયન સોકરને પણ પોતાનું ગણાવ્યું, કેજીના બાળકો બનાવે તેવા થર્મોકોલ, પ્લાસ્ટિક, દોરી બાંધેલા ડ્રોનનો પ્રોજેક્ટ પણ ચર્ચામાં

– રોબોટ ચીનનો જ છે, અમે ડેવલપ નથી કર્યો પણ સંશોધન માટે તેના ડેવલપમેન્ટ પર કામ કર્યું, શબ્દો સમજવામાં ભુલ : યુનિ.નો બચાવ

– વિવાદ વધતા સરકારે યુનિ.ના સ્ટોલની લાઇટ કાપી નાખી, જગ્યા ખાલી કરાવાઇ 

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય એઆઇ સમિટને લઇને વિવાદ સામે આવ્યો છે. આ સમિટમાં ખાનગી ગલગોટિયાસ યુનિવર્સિટીને પણ સ્ટોલ નાખવા છૂટ અપાઇ હતી, જોકે યુનિવર્સિટીને સ્ટોલ હટાવી લેવા પડયા છે. જેનું કારણ યુનિવર્સિટી દ્વારા કરાયેલા ફેક દાવા છે. યુનિ.એ ચીનમાં બનેલા રોબોટને ખરીદીને તેને પોતે તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. જેને પગલે ચીનના મીડિયામાં પણ આ સમિટની ભારે હાંસી ઉડી હતી. પરિણામે અંતે ગલગોટિયાસ યુનિ. સામે પગલા લેવા પડયા હતા. 

ગ્રેટર નોઇડાની ગલગોટિયાસ યુનિવર્સિટી હાલમાં વિવાદોમાં છે, ઇન્ડિયા એઆઇ સમિટ એક્સપોમાં ચીનનો રોબોટિક ડોગ પોતાનો ગણાવી તેનું પ્રદર્શન કર્યું હતું, આ વિવાદ ચાલી જ રહ્યો હતો ત્યારે હવે સાઉથ કોરિયાના સોકર ડ્રોનને પોતાના નામે દર્શાવી નાખ્યો છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગલગોટિયાસ યુનિ.ના પ્રોફેસર દાવો કરતા જોવા મળ્યા હતા કે આ રોબોટ તેની યુનિ.ના કેમ્પસમાં જ તૈયાર કરાયો છે. જોકે સોશિયલ મીડિયા પર લોકોએ રોબોટ ચીનનો હોવાના પુરાવા જાહેર કર્યા હતા. યુનિ.એ ચીન પાસેથી આ રોબોટ ખરીદીને પોતાનો દર્શાવી દીધો હોવાનો દાવો થઇ રહ્યો હતો. 

આ વિવાદના રિપોર્ટ ચીનના મીડિયામાં સામે આવ્યા હતા, જેને પગલે બાદમાં સરકાર દ્વારા ગલગોટિયાસ યુનિ. સામે પગલા લેવામાં આવ્યા છે. અને દિલ્હીમાં એઆઇ સમિટમાં યુનિ.નો સ્ટોલ હટાવી લેવાયો છે. એટલુ જ નહીં તેને અપાયેલ વીજળી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. આ કાર્યવાહીને પગલે પુરી યુનિ. આ ઇવેન્ટમાં શરમજનક સ્થિતિમા ંમુકાઇ હતી. વિવાદ વચ્ચે યુનિવર્સિટીએ એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે અમારી યુનિ.નું વિઝન સ્ટુડન્ટ લર્નિંગ અને ઇનોવેશન પર ફોકસ કરે છે, અમે વિદ્યાર્થીઓને મોડર્ન ટેક્નોલોજીનું એક્સેસ આપીએ છીએ કે જેથી તેઓ પ્રેક્ટિકલ એક્સપીરિયંસ મેળવી શકે. નકારાત્મકતા ફેલાવવાને કારણે વિદ્યાર્થીઓનું મનોબળ તુટે છે. યુનિ.ના રજિસ્ટ્રારે કહ્યું હતું કે યુનિ.એ આ રોબોટને તૈયાર નથી કર્યો, પરંતુ એકેડમિક અને રિસર્ચના હેતુથી તેના ડેવલપમેન્ટ પર કામ કર્યું હતું. ડેવલપ અને ડેવલપમેન્ટ બન્ને શબ્દોને ભેળવી નાખવાને કારણે આ વિવાદ થયો છે.  

હજુ તો ચીનના રોબોટ અને કોરિયાના સોકરનો વિવાદ ચાલી જ રહ્યો હતો ત્યા વધુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગલગોટિયાસ યુનિ. દ્વારા એક દોરીથી બાંધેલુ અને પ્લાસ્ટિકની કોથળીથી લપેટેલુ ડ્રોન મોડલ દેખાડયું હતું, લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને સવાલ કર્યો હતો કે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ આવા પ્રોજેક્ટ બનાવતા હોય છે જેને યુનિ.એ એઆઇ સમિટમાં રજુ કર્યો છે. થર્મોકોલ પર કલર, કાગળ, દોરી અને પ્લાસ્ટિક લગાવીને રમકડુ બનાવ્યું હોય તેવુ આ ડ્રોન મોડેલ પણ ગલગોટિયાસ યુનિ. માટે માથાનો દુખાવો બની ગયું હતું. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય એઆઇ સમિટ ચાલી રહી છે જેમાં અનેક દેશોના પ્રતિનિધિઓ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના લોકોએ પણ ધામા નાખ્યા છે. એવામાં આ સમિટમાં આ પ્રકારના વિવાદો સામે આવવાથી સમિટના આયોજન પર પણ સવાલો ઉઠી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button