વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આવકમાં મોટું નુકસાન | Builders Conspiracy of Building Permit Department causes huge loss in revenue to VMC

![]()
Vadodara Corporation : વડોદરા શહેરમાં ટીપી ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચાર્જીસની કરોડો રૂપિયાની બાકી રકમ અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિએ ગંભીર આક્ષેપો સાથે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. સમિતિએ મ્યુનિ. કમિશનરને લેખિત રજૂઆત કરી બિલ્ડરો પાસેથી હક્કથી મળવાપાત્ર રકમ તાત્કાલિક વસૂલવા અપીલ કરી છે.
સમિતિના જણાવ્યા મુજબ, જયારે કોઈ નવો વિસ્તાર વિકાસ પામે છે ત્યારે મોટા રસ્તા, ડ્રેનેજ લાઈન, પાણી, સ્ટ્રીટ લાઈટ, બાગ-બગીચા, શાળા જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે ટીપી ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચાર્જીસ વસૂલવામાં આવે છે. આ રકમ જમીનના માપ અને મૂલ્યાંકન મુજબ મ્યુનિ. કોર્પોરેશનના“મૂલ્યાંકન અને વહેચણી પત્રક (B ફોર્મ)”માં દર્શાવવામાં આવે છે.
આ સુવિધાઓ ઉભી થતા જમીનની કિંમત દશ ગણી સુધી વધી જાય છે અને તેનો સીધો ફાયદો બિલ્ડરોને મળે છે. છતાં, આ ચાર્જીસની વસુલાતમાં ગંભીર ગેરરીતિઓ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમિતિએ દાવો કર્યો છે કે બાંધકામ પરવાનગી વિભાગ, કેટલાક બિલ્ડરો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને ચોક્કસ ધારાસભ્યો વચ્ચેની સાઠગાંઠને કારણે ટીપી ઇન્ક્રીમેન્ટ ચાર્જીસ ભર્યા વિના બાંધકામ પરવાનગીઓ અને પ્લિન્થ ચેકિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
કેટલાક કિસ્સાઓમાં બિલ્ડરો ચાર્જીસ ચૂકવ્યા વગર મકાનો વેચી દે છે, લોકો ત્યાં વસવાટ પણ શરૂ કરી દે છે, વીજળી કનેક્શન મેળવી લે છે અને વેરા ભરતા થાય છે. પરિણામે મ્યુનિ. કોર્પોરેશનની કરોડો રૂપિયાની આવક બાકી રહી જાય છે અને આર્થિક ભાર નગરજનો પર આવે છે.
વધુમાં જણાવ્યું છે કે, મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડતી જતા ગ્રીન બોન્ડ અને બ્લ્યુ બોન્ડ મારફતે નાણા એકત્ર કરવાની ફરજ પડે છે, તેમજ 40 ટકા કપાતમાં લેવાયેલી જમીનો પણ ઓછી કિંમતે હરાજી કરવામાં આવે છે. જો બિલ્ડરો પાસેથી બાકી રહેલી ટીપી ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચાર્જીસ કડક હાથે વસૂલવામાં આવે તો મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી છલકાઈ જશે.



